- UNRWA નામની એજન્સીને આપવામાં આવતું ભંડોળ અટક્યું
- ઇઝરાયેલના દાવા પછી અમેરિકા સહિતના દેશોએ એજન્સીને અપાતું ભંડોળ રોક્યું
- યૂ.એન.આર.ડબ્લ્યુ.એ. નામની એજન્સી તે શરણાર્થીઓ માટે કામ કરતી એજન્સી છે
ઇઝરાયેલે દાવો કર્યો છે કે 7 ઓક્ટોબરના રોજ તેના પર હમાસ દ્વારા થયેલા હુમલામાં યૂએન એજન્સીના કર્મચારીઓએ પણ મદદ કરી હતી. ઇઝરાયેલે કરેલા દાવા પછી અમેરિકા સહિતના અનેક દેશોએ સંયુક્ત રાષ્ટ્રની આ શરણાર્થીઓ માટે કામ કરતી એજન્સીને આપવામાં આવતું ભંડોળ અટકાવી દીધું છે. જે દેશોએ સંયુક્ત રાષ્ટ્રની આ એજન્સીને આપવામાં આવતું ભંડોળ રોક્યું છે તેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, ફીનલેન્ડ અને સ્વીત્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. આ દેશોએ યૂ.એન.આર.ડબ્લ્યુ.એ. નામની એજન્સીને આપવામાં આવતું ભંડોળ અટકાવી દીધું છે.
યૂ.એન.આર.ડબ્લ્યુ.એ. નામની એજન્સી તે શરણાર્થીઓ માટે કામ કરતી એજન્સી છે. ગાઝામાં માનવીય મદદ પહોંચાડવામાં તેની મોટી ભૂમિકા છે. કેટલાક દેશોએ એજન્સીનું આપવામાં આવતું ભંડોળ રોકવા નિર્ણય લેતાં એજન્સીના કમિશનર જનરલ ફિલિપ લાજારનીએ દુઃખ જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે,’ગાઝાના પેલેસ્ટાઇનવાસીઓને હવે વધુ સજા ના મળવી જોઇએ. તેને કારણે આપણા સૌ પર કલંક લાગશે.’ લાજારનીએ કહ્યું કે ,’ભંડોળ અટકતાં એજન્સી દ્વારા થતા માનવીય કાર્યો પ્રભાવિત થશે અને ગાઝામાં સમસ્યા વધશે.’ એજન્સીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેના કર્મચારીઓ પર જે આક્ષેપ લાગ્યા છે તેની તપાસ કરવી જોઇએ.
પેલેસ્ટાઇન લિબરેશન સંગઠનના વડા હુસેન અલ શેખે કહ્યું હતું કે એજન્સીને મળતું ભંડોળ રોકવામાં આવશે તો ગાઝામાં ગંભીર રાજકીય અને માનવીય મદદ સંબંધી સંકટ સર્જાશે. તેમણે ભંડોળ અટકાવી ચૂકેલા દેશોને સહાય ના અટકાવવા અપીલ કરી છે. એજન્સીને જર્મની સૌથી વધુ રકમની સહાય કરે છે. તેણે તપાસને આવકારી છે. જર્મનીએ કહ્યું છે કે, ‘ઇઝરાયેલે કરેલા આરોપોથી તે ખૂબ જ ચિંતિત છે. યુએન એજન્સીનો સ્ટાફ હિંસામાં ભાગ લે તે વાતને સહી લેવામાં નહીં આવે.’


