- યુનોની બેઠકમાં પાકિસ્તાને ભારતમાં કાશ્મીર, સીએએ, રામમંદિર મુદ્દે ટીકા કરી
- પાકિસ્તાનનો દરેક મુદ્દે ટ્રેક રેકોર્ડ ખરાબ હોવાનો યુનોમાં ભારતે ઉલ્લેખ કર્યો
- સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહત્ત્વની બેઠકમાં ભારતે પાકિસ્તાનની કરતૂતો યાદ અપાવી
ભારતે એકવાર ફરી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવ્યો છે. ભારતે પાકિસ્તાનની તીખી ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ દરેક મુદ્દે શંકાસ્પદ છે. સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિની સંસ્કૃતિ વિષય પર સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે ભારત વિરુદ્ધ નિવેદન કરી કાશ્મીર અને સીએએ તેમજ અયોધ્યામાં રામમંદિરના મુદ્દે ભારત વિરુદ્ધ ટીકા કરી. આનો જવાબ આપતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે પાકિસ્તાનને બરાબર શાબ્દિક રીતે ફટકાર્યું હતું.
ભારતે પાકિસ્તાનને શિષ્ટાચારનો પાઠ ભણાવ્યો
રૂચિરા કંબોજે જણાવ્યું કે આ સભામાં અમે શાંતિની સંસ્કૃતિની વાત કરી રહ્યા છીએ. આવા પડકારજનક સમયમાં અમારું ધ્યાન રચનાત્મક વાતચીત પર હોવું જોઈએ. આવામાં પાકિસ્તાનની ટીકા અવગણવી જોઈએ. કારણ કે, તેઓમાં શિષ્ટાચારનો અભાવ છે. તેમજ તેઓને ટ્રેક રેકોર્ડ દરેક મુદ્દે શંકાસ્પદ છે.
ભારત અનેક ધર્મોનું જન્મસ્થળ
યુનોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું કે આતંકવાદ શાંતિની સંસ્કૃતિ વિરુદ્ધ છે. અને આ ધર્મના શિક્ષણ જેમ કે દયા, સંતોષ વિરુદ્ધ છે. અમારો દેશ માને છે કે આ સમગ્ર દુનિયા એક કુટુંબ છે અને સંયુક્ત રાષ્ટ્રસભાના તમામ સભ્ય દેશોને પણ એવું માનવું જોઈએ જેથી શાંતિની સંસ્કૃતિને પ્રોત્સાહન મળી શકે. કંબોજે કહ્યું કે, વૈશ્વિક પડકારો વધી રહ્યા છે. વધતી અસહિષ્ણુતા, ભેદભાવ અને ધર્મ આધારિત હિંસાના પડકારો પર તરત ધ્યાન આપવાની જરૂર છે. પવિત્ર સ્થળો જેવા કે ચર્ચ, ગુરુદ્વારા, મંદિર અને યહૂદી ધર્મસ્થળો પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો થવાથી અમે ચિંતિત છીએ. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ગમે ત્યારે હિંદુ મંદિરો અને ગુરુદ્વારા પર હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે.
રૂચિરા કંબોજે જણાવ્યું કે અહિંસાનો મંત્ર મહાત્મા ગાંધીએ આપ્યો અને આ આજે પણ અમારા દેશનો આધાર છે. પાકિસ્તાનને પોતાના કરતૂતનો દર્પણ દેખાડતા ભારતના પ્રતિનિધિ કંબોજે કહ્યું કે ભારત માત્ર હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મની જન્મસ્થળ નથી પરંતુ અહીં ઈસ્લામ, યહૂદી, ખ્રિસ્તી અને પારસી જેવા ધર્મોનો મજબૂત આધાર છે. જે વર્ગો અને ધર્મોના લોકોનું શોષણનો સામનો કરવો પડ્યો તેને શરણ આપવી અને વિવિધતામાં એકતા રાખવાવાનો ભારતનો ઈતિહાસ રહ્યો છે.


