- અમે બે રાજ્યની રચનાને સમર્થન આપીએ છીએ : અમેરિકી પ્રતિક્રિયા
- ઈઝરાયેલે પેલેસ્ટાઇન સાથે સ્થાયી સમાધાન મુદ્દે તમામ આંતરરાષ્ટ્રીય આદેશોને ફગાવ્યા
- બંધકોને મુક્ત કરો નહિતર રાફાને પણ તબાહ કરી દઈશું : ઈઝરાયેલની ધમકી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વૈચારિક અંતર વધી રહ્યું છે. ઈઝરાયેલની કેબિનેટે સર્વસહમતીથી એક દરખાસ્ત પસાર કરી છે. દરખાસ્ત અમેરિકી પક્ષના વલણથી તદ્દન વિપરીત છે. ઈઝરાયેલની કેબિનેટે નિર્ણય લીધો છે કે ઈઝરાયેલ પેલેસ્ટાઇન સાથે સ્થાયી સમાધાન સંબંધિત તમામ આંતરરાષ્ટ્રીય આદેશોને પૂરી રીતે ફગાવી દે છે. જોકે સમજૂતી થાય તો તે કોઈ પૂર્વ શરત વિના પક્ષો વચ્ચેની સીધી વાતચીતના માધ્યમથી થવી જોઈએ. દરખાસ્તમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલ પેલેસ્ટાઇનને એક તરફી માન્યતા આપવાનો વિરોધ કરતું રહેશે. ઈઝરાયેલે કહ્યું કે આ દરખાસ્ત આતંકવાદ વિરુદ્ધ મોટી ભેટ રહેશે.
ઈઝરાયેલની દરખાસ્ત પર અમેરિકાએ પ્રતિક્રિયા આપી છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવકતા મેથ્યૂ મિલરે કહ્યું કે ગાઝામાં સંકટના સ્થાયી અંત માટે પેલેસ્ટાઇન રાજ્યની રચના તે સૌથી સારો વિકલ્પ છે. અમેરિકા અલગ પેલેસ્ટાઇનની રચના માટે પ્રતિબદ્ધ છે. અમેરિકા બે રાજ્યોની રચના આધારે થનારા સમાધાનને મજબૂતીથી સમર્થન આપે છે. પારસ્પરિક હિતો અને મૂલ્યોથી વિપરીત હોય તેવી તમામ નીતિનો અમેરિકા વિરોધ કરે છે.
બંધકોને મુક્ત કરો નહિતર રાફાને પણ તબાહ કરી દઈશું : ઈઝરાયેલની ધમકી
ઈઝરાયેલની કેબિનેટની બેઠકમાં પેલેસ્ટાઇનને ચેતવણી આપવામાં આવી છે કે રમજાન પહેલાં હમાસ બંધકોને મુક્ત નહીં કરે તો ઈઝરાયેલની સેના 10 માર્ચ પછી રાફા પર જમીની આક્રમણ કરી દેશે. કેબિનેટ સભ્ય બેની ગૈન્ટેજ કહ્યું કે,’વિશ્વ અને હમાસને તે વાતની જાણ હોવી જોઈએ કે રમજાન સુધીમાં ઈઝરાયેલના બંધકો ઘેર નહીં પહોંચે તો લડાઈ અટકશે નહીં. રાફા સહિતના વિસ્તારો પર હુમલા તેજ થઈ જશે.’ રમજાન મહિનો 10 માર્ચથી શરૂ થઈ રહ્યો છે.


