- મત્સ્યોદ્યોગ બંધ થવાની પણ ભીતિ
- પાણી લીકેજ થઈ રહ્યું હોઈ ખેડૂતોને સિંચાઈની ચિંતા
- દેડિયાપાડામાં ચાલુ સાલે સારો વરસાદ થયો
દેડિયાપાડામાં ચાલુ સાલે સારો વરસાદ થયો છે. કમોસમી વરસાદ પણ પડયો છે. તેને કારણે દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારમાંથી નીકળતી તરાવ નદી સતત વહી રહી છે. દેડિયાપાડા તાલુકાના ગાજરગોટા ગામે તરાવ નદી ઉપર મોટો ચેકડેમ આવેલો છે. આ ચેકડેમ પાણીથી સંપૂર્ણ ભરાઇ ગયો છે. પણ મહા દુઃખની વાત એ છે કે આ મોટો ચેકડેમ જર્જરિત હાલતમાં છે.
આ ચેકડેમ બિસ્માર હાલતમાં હોવાથી ચાર જગ્યાએથી પાણી સતત નીકળી રહ્યું છે. આ ચેકડેમ માંથી પાણી નીકળી રહ્યું હોઈ ચેકડેમ પાણી વિનાનો ખાલીખમ થઈ જશે તેને કારણે ખેડૂતોને સિંચાઈના પાણી મળતાં બંધ થઈ જશે. પશુઓને પીવાનું પાણી મળતું બંધ થઈ જશે. પક્ષીઓ અને જંગલમાં ડુંગરોમાં વસતા જંગલી પ્રાણીઓને પીવાનું પાણી મળતું બંધ થઈ જશે. ગાજર ગોટા ગામના 20 થી 25 આદિવાસી પરિવારો આ ચેકડેમમાં સંગ્રહ થયેલા પાણીમાં માછલી પકડીને માછલી વેચીને રોજગારી મેળવે છે. તે મત્સ્યોદ્યોગ ઉધોગ બંધ થઈ જશે. એટલે સંલગ્ન ખાતા દ્વારા આ ચેકડેમ રીપેર કરવામાં આવે,એવી ગાજર ગોટા સહિત આસપાસના ગામડાંના આદિવાસી લોકોએ માંગણી કરી છે.


