- વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશે
- આ પેટીમાં વિદ્યાર્થીઓ તેમને મૂંઝવતા પ્રશ્નો નાંખી તેનું સમાધાન મેળવી શકશે
- પેટીમા આવનારી સમસ્યાને લઈ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સારથી પ્રોજેક્ટ અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓનો ઉકેલ મેળવી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે. જેના માટે શહેરની 100 જેટલી શાળાઓમાં સંવેદના પેટી મૂકવામાં આવી છે. આ પેટીમાં વિદ્યાર્થીઓ તેમને મૂંઝવતા પ્રશ્નો નાંખી તેનું સમાધાન મેળવી શકશે. પેટીમા આવનારી સમસ્યાને લઈ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા સમયે માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઈન સહિતની સુવિધા કરવામાં આવતી હોય છે. પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન તેમને અન્ય કોઈ મદદ મળતી ન હોવાથી આ પ્રકારની સંવેદના પેટી મૂકવાનું આયોજન કરાયું છે. આ સંવેદના પેટીમાં વિદ્યાર્થીઓ કોઈ પણ સમસ્યા હશે તો લેખિત સ્વરૂપે નાંખશે. ત્યારબાદ સ્કૂલના એક શિક્ષક અને એક શિક્ષિકા આ પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરશે. આ માટે શિક્ષકો અને શિક્ષિકાને ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ તથા મનોવૈજ્ઞાનિક દ્વારા તાલીમ પણ આપવામાં આવી છે.


