વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટને સ્ટેન્ડીંગ કમિટી અને જનરલ બોર્ડ બહાલી આપે એટલુ તુરંત હાથ ધરાશે ટેન્ડર પ્રક્રિયા
રાજકોટની ભાગોળે રિંગરોડ-૨ નીકળ્યા બાદ માધાપર ચોકડી, ઘંટેશ્વર, કટારિયા ચોકડી અને ગોંડલ રોડને ટચ થતા કોરાટ ચોકમાં ભારે વાહનો સહિત હેવી ટ્રાફિક વધતો જાય છે. ખાસ કરીને કાલાવડ રોડથી વાવડી સુધી આવેલા સંખ્યાબંધ પાર્ટી પ્લોટના લીધે કટારિયા ચોકડી ટ્રાફિકથી સતત વ્યસ્ત રહે છે ત્યાંરે શહેરના આ વધુ એક પ્રવેશદ્વાર કટારિયા ચોકડીએ માધાપર ચોકડી પેટર્નથી જ ઓવરબ્રિજ અને તેની નીચેથી અન્ડરબ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો છે. ડિઝાઇન પણ તૈયાર થઇ ચુકી છે. પ્રાથમિક અંદાજ મુજબ રૂ.૧3૫ કરોડના ખર્ચની જોગવાઇ રાખવામા આવી છે.
રાજકોટના ટ્રાફિક ગ્રસ્ત વિસ્તારોમાં બ્રિજ, રોડ પહોળા કરવા, ટ્રાફિક સર્કલ સહિતના વિકલ્પો અપનાવાઇ રહ્યા છે. એ પૈકી રિંગરોડ-૨ બન્યા બાદ કટારિયા ચોકડીએ ટ્રાફિક સતત વધતો જાય છે. લાંબાગાળના પ્લાનીંગ રૂપે અહીં બ્રિજ બનાવવાનો ઇરાદો આગામી નાણાકીય વર્ષના બજેટમાં વ્યક્ત કરાયો છે. અહીં એકસાથે બે બ્રિજ બનશે. એક ઓવરબ્રિજ અને તેની નીચેથી અન્ડર બ્રિજ કાઢવામા આવશે. તેની તૈયાર થયેલી ડિઝાઇન મુજબ કાલાવડ રોડ ટુ કાલાવડ રોડ ઓવર બ્રીજ અને ઘંટેશ્વરથી ટુ ગોંડલ રોડ તરફ અન્ડરબ્રીજ બનાવવામા આવશે. માધાપર ચોકડીએ જેવુ પ્લાનીંગ છે એ જ મુજબ કટારિયા ચોકડીએ બનશે. પ્રાથમિક અંદાજ મુજબ ૧૩૫ કરોડના ખર્ચની જોગવાઇ છે.
સ્ટેન્ડીંગ દ્વારા બજેટ મંજુર કર્યા બાદ ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે. રાજ્ય સરકારની ફાટક મુકત યોજના હેઠળ બનાવવામાં આવનાર પીડીએમ ફાટક અન્ડર બ્રીજ ડીઝાઇન પણ લગભગ નક્કી થઇ ચુકી છે.