દુ:ખ શું છે? તેનો અર્થ શો? જેને દુ:ખ ભોગવવું કહેવામાં આવે છે તે શું છે? દુ:ખ શા માટે છે એ નહીં, દુ:ખી થવાનું કારણ શું છે એ નહીં, પરંતુ ખરેખરમાં શું થાય છે?
મને ખબર નથી કે તમને તેની વચ્ચે કોઈ તફાવત લાગે છે કે નહીં, જ્યારે હું દુ:ખથી સહજપણે સભાન હોઉં છું, મારાથી અલગ અંશ તરીકે નહીં, કોઈ નિરીક્ષક દુ:ખને જોઈ રહ્યો હોય તે રીતે નહીં. દુ:ખ મારો જ અંશ છે, એટલે કે મારું સમગ્ર અસ્તિત્વ જ દુ:ખ ભોગવે છે. ત્યારે હું તેની ગતિને સમજી શકું, તે મને ક્યાં લઈ જાય છે તે હું જોઈ શકું. ચોક્કસપણે, જો હું તેમ કરું તો તે મારી સામે ઊઘડે છે, શું નથી ઊઘડતું? ત્યારે હું જોઉં છુ કે જેને પ્રેમ કરું છું તે વ્યક્તિ પર નહીં, પણ મેં `મારા’ પર ભાર મૂક્યો છે. તેણે તો કેવળ મને મારી આસપાસની આપત્તિમાંથી, એકલતામાંથી, કમનસીબીમાંથી ઉગારવા માટે રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કર્યું છે. `હું’ કંઈ નથી, પરંતુ હું આશા રાખું છું કે `તે’ `એ’ બની શકશે. તે વ્યક્તિ જતી રહી છે. મને છોડી દેવામાં આવ્યો છે, હું એકલો છું. તેના વગર હું કંઈ જ નથી, તેથી હું રડું છું. મુદ્દો એ નથી કે તે વ્યક્તિ જતી રહી છે, પણ મુદ્દો એ છે કે મને ત્યાગી દેવામાં આવ્યો છે. હું એકલો છું. છટકી જવામાં મને મદદ કરનારા અસંખ્ય લોકો છે, હજારો તથાકથિત ધાર્મિક લોકો છે, જે લોકો પોતાની માન્યતાઓ, માની લીધેલા સિદ્ધાંતો, આશાઓ અને સ્વપ્નાંઓ ધરાવતા હોય છે. `તે તમારું કર્મ છે, તે ઈશ્વરની મરજી છે.’ તે તમે જાણો છો. આ બધા મને બહાર નીકળવાનો ઉપાય દર્શાવે છે.
સ્વયંસ્ફૂર્ત સમજણ
આપણે ક્યારેય એમ નથી કહેતા કે : `ચાલ, આજે મને એ જોવા દો કે જે સહન કરે એ શું છે.’ તમે પરાણે કે શિસ્ત દ્વારા એ જોઈ ન શકો. તમારે રસપૂર્વક જોવું પડે, તેને આપોઆપ આવતી સ્વાભાવિક સમજણથી જોવું પડે. ત્યારે તમને જણાશે કે જેને આપણે દુ:ખ અને પીડા ભોગવવાં કહીએ છીએ, જે બાબતને આપણે ટાળીએ છીએ, એ શિસ્ત, એ બધું જ જતું રહ્યું છે. જ્યાં સુધી મારી બહારની વસ્તુ સાથે મારે કોઈ સંબંધ ન હોય તો કોઈ સમસ્યા નથી; પરંતુ જે ક્ષણે હું મારી બહારની વસ્તુ સાથે સંબંધ સ્થાપિત કરું છું ત્યારે સમસ્યા સર્જાય છે. જ્યાં સુધી હું દુ:ખને મારાથી બહારની કોઈ વસ્તુ સમજુ ત્યાં સુધી હું દુ:ખ ભોગવું છું, કારણ કે મેં મારો ભાઈ ગુમાવ્યો છે, કારણ કે મારી પાસે પૈસા નથી. આ કે તે કારણે હું તેની સાથે સંબંધ જોડું છું અને એ સંબંધ કાલ્પનિક છે, પરંતુ જો હું જ તે ચીજ છું, જો હું એ હકીકત સમજું તો આખીયે બાબતનું પરિવર્તન થઈ જાય છે. ત્યારે તે બધાનો અર્થ જુદો જ થઈ જાય છે. ત્યારે ત્યાં પૂરેપૂરું ધ્યાન આપવાનું બને છે, સુગ્રથિત અવધાન દાખવવામાં આવે છે અને જેના પર ધ્યાન આપવામાં આવે છે તે સંપૂર્ણપણે સમજાઈ જાય છે તેમજ તે ઓગળી જાય છે અને તેથી ત્યાં ભય રહેતો નથી, તેથી દુ:ખ શબ્દનું અસ્તિત્વ જ નથી રહેતું.