- અમૂલ પાર્લરની જમીનનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છતાં જમીન પર કબજો યથાવત્
- જમીન ખાલી કરવા માટે આદેશ આપ્યો હોવા છતાં હજુ ખાલી કરાઈ નથી
- પાર્લરની પાછળના ભાગે ખુલ્લી જમીન પડી હતી
ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિ. અને એલ.ડી ઈજનેરી કોલેજના રસ્તા પર ઉભી રહેતી ખાણીપીણીની લારી-ગલ્લાઓ હટાવી દેવામાં આવ્યાં છે, પરંતુ આજ રસ્તા પર યુનિવર્સિટીની માલિકીની જગ્યા પર આવેલા અમુલ પાર્લરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવા છતાં જગ્યા ખાલી થઈ નથી. આ કોન્ટ્રાક્ટરને માત્ર અમુલ પાર્લર માટે જગ્યા આપી હોવા છતાં અહીં આખુ ખાણીપીણી બજાર ઉભુ કરી દેવામાં આવ્યું છે. મહત્વની વાત તો એ છે કે, જગ્યા ખાલી કરવાનો યુનિ. દ્વારા આદેશ અપાયો હોવા છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટરે કબ્જો છોડયો નથી. યુનિવર્સિટીના જ બે અધ્યાપકો દ્વારા પાછલા બારણે અમુલ પાર્લર અને ખાણીપીણીનું કાફે ચલાવવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સની પાસે અને પોલીસ સ્ટેશનની સામે અમુલ પાર્લર આવેલુ છે. જે-તે સમયે ટેન્ડર દ્વારા અમુલ પાર્લર માટે જગ્યા કોન્ટ્રાક્ટથી આપવામાં આવી હતી. પાર્લરની પાછળના ભાગે ખુલ્લી જમીન પડી હતી.કોન્ટ્રાક્ટરે ખુલ્લી પડેલી જમીન કોફીબાર નાસ્તાગૃહ ચલાવવા માટે બારોબાર આપી દીધી. મહત્વની વાત તો એ છે કે, અમુલ પાર્લરનો કોન્ટ્રાક્ટ પુરો થયો હોવા છતાં જગ્યા ખાલી કરવામાં આવી નથી. યુનિ. દ્વારા તમામ જગ્યા ખાલી કરવાનો આદેશ અપાયો હોવા છતાં હજુ સુધી ખાલી થઈ નથી.


