જેતપુર પાસે અજાણ્યા વાહન ચાલકે યુવકને કચડયો: ઘટનાસ્થળે મોત
અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છુટયો: ડેડરવામાં શોક
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર પાસે એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો છે. જેતપુરના ડેડરવા-જેતલસર રોડ પર કાળમુખા બનેલા એક અજાણ્યા વાહનચાલકે યુવકને એવી રીતે કચડ્યો હતો કે યુવકના શરીરના કટકા રોડ પર વિખેરાઈ ગયા હતા.
જેતપુરના ડેડરવા ગામે રહેતા ૩૦ વર્ષીય મેહુલભાઈ દિનેશભાઈ મકવાણા ડેડરવા-જેતલસર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈ પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને તેમને ટક્કર મારી કચડી નાખ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક માનવતા નેવે મૂકીને વાહન સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો. અકસ્માતના પગલે રોડ પર લોહીના ખાબોચિયા ભરાયા હતા અને મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં ફેરવાઈ ગયો હતો.
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને જોઈ હાજર રહેલા લોકોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ મેહુલભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.


