- અમદાવાદમાં બે, કલોલમાં ત્રણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
- જીએમડીસી ખાતે સ્વ-નિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સ્નેહ મિલન
- કેન્દ્રીય ગૃહ મંત્રી પાંચ જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 24મી ડિસેમ્બરે ગુજરાત મુલાકાતે આવશે. ગુજરાત મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદ અને કલોલ ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે, એક દિવસમાં કેન્દ્રીય ગૃહ મંત્રી પાંચ જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે. 24મીએ સવારે 10.30 કલાકના અરસામાં મેમનગર સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના સ્વજનો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે.
અમિત શાહ સવારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના આ કાર્યક્રમ બાદ કલોલ ખાતે પહોંચશે, જ્યાં પાનસર તળાવનું લોકાર્પણ કરશે અને વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે, કલોલ ખાતે બપોરે 2.30 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે, એ પછી કલોલ ખાતેની એક હોટેલમાં વિશાળ એકતા સંમેલન અને સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરશે. આ કાર્યક્રમ બાદ સાંજે પાંચ વાગ્યે અમદાવાદના સાબરમતી એઈસી ગ્રાઉન્ડ ખાતે ગાંધીનગર જનમહોત્સવ દ્વારા આયોજિત ખેલો ગાંધીનગર 2023નું આયોજન કરવામાં આવ્યું છે, યુવાનોમાં રહેલા કૌશલ્યને યોગ્ય મંચ પૂરો પાડવા યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહેશે. એ પછી નવરંગપુરા ખાતે સાંજે 7 કલાકે ગુજરાત સાહિત્ય મહોત્સવનું કેન્દ્રીય મંત્રી ઉદ્ઘાટન કરશે.


