તેષામ જ્ઞાની નિત્યયુક્ત: એકભક્તિ:વિશિષ્યતે II
પ્રિય: હિ જ્ઞાનિન: અત્યર્થમ અહમ સ: ય મમ પ્રિય: II 7/17 II
અર્થ : તેઓમાં સદા મારામાં જોડાઇ રહેનારો અને અનન્ય ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે, કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું તેમ તે મને અત્યંત પ્રિય છે.
ભગવાને અગાઉ કહ્યું કે દુ:ખી, જિજ્ઞાસુ, ધનની ઇચ્છાવાળા અને જ્ઞાની લોકો જ તેમને ભજે છે, પરંતુ આ ચાર પ્રકારના લોકોમાં જે ભક્ત સદાય તેમનામાં પરોવાયેલો રહે છે તેવો જ્ઞાની ભક્ત તેમની દૃષ્ટિએ સર્વ શ્રેષ્ઠ છે. આ જ્ઞાની ભક્તને ભગવાન ખૂબ જ પ્રિય હોય છે અને તેથી કરીને આવો ભક્ત ભગવાનને પણ ખૂબ જ પ્રિય થઇ જાય છે. જ્ઞાની વ્યક્તિ ભગવાનને ભજે છે કે ભક્તિ કરે છે તે અનન્ય ભાવે કરે છે. અનન્ય ભાવ એટલે બીજું કંઇ નહિ, પણ ભગવાન તું એક જ મારો સહારો છે તેવો ભાવ. અનન્ય અર્થાત્ અન્ય કોઇ જ નહિ. કોઇ વ્યક્તિ તમને ક્યારે ચાહે? એ ક્યારે તમને તેના આધાર સમાન માને? એ ત્યારે જ એવું માને છે કે જ્યારે તમે એના માટે કંઇ કરી છૂટ્યા છો અથવા હજી પણ તેને માટે તમે જ કશું કરવાના છો એવી તેને ખાતરી હોય છે. આ તો માનવીની વાત થઇ જ્યારે અહીં તો ખુદ સાક્ષાત્ ભગવાનની જ વાત છે. જે જ્ઞાની છે, સદાચારી છે તે ભગવાન સિવાય બીજા કોઇને ન જ ભજે તે પણ ખૂબ જ સ્વાભાવિક છે. હું જો ભગવાનને ભજતો થઇ જાઉં, હું મારું સમગ્ર જીવન એને જ સોંપી દઉં તો પછી એ શું કામ મને પ્રિય ન ગણે? એ શું કામ મારી કાળજી ન રાખે? પોતાનું મન શુદ્ધ રાખીને જ્ઞાની ભક્ત જેમ ભગવાનનું ભજન કરે છે તે જ રીતે આપણે પણ ભગવાનની ભક્તિ અનન્ય ભાવે કરશું તો આપણે ભગવાનને પ્રિય બની જ જશું. એકવાર ભગવાનને પ્રિય થઇ જઇએ તો તો પછી આ સંસારમાં આપણો બેડો ભગવાન પાર લગાડી જ દે છે.
ઉદાસ સર્વ એવ એતે જ્ઞાની તુ આત્મા એવ મેમતમ II
આસ્થિત: સ હિ યુક્તાત્મા મામ એવ અનુત્તમામ ગતિમ II 7/18II
અર્થ : આ બધા ભક્તો ઉત્તમ જ છે, પણ જ્ઞાની તો મારો આત્મા છે એવો મારો મત છે, કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઇ મને જ સર્વોત્તમ માની મારો જ આશ્રય કરે છે.
જે ચાર પ્રકારના ભક્તોની ભગવાને અગાઉ (શ્લોક-16) વાત કરી છે તે બધા જ ઊંચા પ્રકારના ભક્તો છે, પરંતુ તેમાં જે પ્રભુના જ્ઞાનમાં સ્થિર છે તેને ભગવાન તેમના પોતાનામાં જ રહેલો સમજે છે. અહીં આપણે એ સમજવાનું છે કે ભગવાન ક્યારે આપણને તેમનામાં વસેલા માનશે? તેનો જવાબ છે કે તમે પ્રભુના જ્ઞાનમાં સ્થિર થઇ જાઓ તો પછી ભગવાન તેનામાં તમને સમાવી લે છે. પ્રભુના જ્ઞાનમાં સ્થિર થવું એટલે અત્ર તત્ર ને સર્વત્ર દરેક સ્થળે પ્રભુના સાક્ષાત્કારને સ્વીકારીને જીવવું. સતત પ્રભુની હાજરીનો અહેસાસ કરવો તે. સૃષ્ટિનો એકેય કણ ઇશ્વર વિનાનો છે જ નહિ તેમ માની લેવું એટલે જ પ્રભુના જ્ઞાનમાં સ્થિર થયા કહેવાઇએ. આવું જ્ઞાન થવું એને આપણી દિવ્યતા કહેવાય. અંતરનાં ચક્ષુ ઊઘડે તો એ દિવ્ય ચક્ષુથી જ પ્રભુના સાંનિધ્યને પામી શકાય છે. જે ભક્તનાં દિવ્ય ચક્ષુ ઊઘડે છે અને તે પછી તે ભગવાનની જે ભક્તિ કરે છે તેને ભગવાન દિવ્ય ભક્ત કહે છે.
જ્ઞાનીજનો સર્વશ્રેષ્ઠ છે એટલું જ નહિ, પણ તેઓ તો ભગવાનના આત્મા સમાન છે. એનું મુખ્ય કારણ એ છે કે આ જ્ઞાની લોકો ભગવાનને જ સર્વોત્તમ માને છે. તેમનામાં જ ચિત્તને પરોવેલું રાખે છે. ઇશ્વર તમારા જ્ઞાન, બુદ્ધિ હોશિયારીને ધ્યાને લઇને તમને તેમના આત્મા જેવો દરજ્જો આપે તો એ બહુ મોટી વાત કહેવાય.


