- ISIL-Kના આતંકીઓની સંખ્યા 4 હજારથી વધીને 6 હજાર થઈ હોવાનું અનુમાન
- ISIL-K ક્ષેત્રમાં સૌથી ગંભીર જોખમ, અફઘાનિસ્તાનથી અલગ રહીને આતંક ફેલાવે છે
- તહરીક-એ-તાલિબાન શરણ આપનાર સંગઠનમાં ફેરવાઈ શકે
સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, આતંકવાદી સમૂહ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવંત-ખોરાસાન (ISIL-K) ભારતમાં મોટા પાયે હુમલા ન કરી શક્યું હોવા છતાં આ દેશમાં રહેલા પોતાના આકાઓના માધ્યમથી એવા આતંકવાદીઓની ભરતી કરવા માગે છે જે એકલા જ હુમલા કરી શકે.
ISIL, અલ-કાયદા, અને તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ તથા સંસ્થાઓ વિશે વિશ્લેષણાત્મક સહાયતા અને પ્રતિબંધ દેખરેખ ટીમનો 34મો રિપોર્ટ મંગળવારે જારી કરવામાં આવ્યો તેમાં આ બાબતનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે સભ્ય દેશોએ ચિંતા વ્યક્ત કરી છે કે અફઘાનિસ્તાનમાંથી ઊભો થનારો આતંકવાદ ક્ષેત્રમાં અસુરક્ષાનું કારણ બનશે. ભારતમાં મોટાપાયે હુમલો ન કરી શક્યા છતાં ISIL-K દેશમાં પોતાના આકાઓ દ્વારા એવા લોકોની ભરતી કરવા માગે છે જે એકલા હુમલા કરી શકે. તેમાં ઉર્દૂમાં હિન્દુ-મુસ્લિમ દ્વેષને વધારતી તથા ભારતના સંબંધમાં પોતાની રણનીતિ દર્શાવતી એક પુસ્તિકા જારી કરી છે. તેમાં કહેવાયું છે કે, ISIL-K આ ક્ષેત્રમાં સૌથી ગંભીર જોખમ બન્યું છે, જે અફઘાનિસ્તાનથી અલગ રહીને આતંક ફેલાવી રહ્યું છે.
તહરીક-એ-તાલિબાન શરણ આપનાર સંગઠનમાં ફેરવાઈ શકે
રિપોર્ટ અનુસાર, તહરીક-એ-તાલિબાન, તાલિબાન, અને ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા વચ્ચે સમર્થન અને સહયોગ વધ્યાં છે. તેઓ અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ અને તાલીમ શિબિરો એકબીજા સાથે વહેંચે છે અને તહરીક-એ-જિહાદ પાકિસ્તાનના બેનર હેઠળ વધારે ઘાતક હુમલા કરી રહ્યું છે. તેમાં કહેવાયું છે કે, તેથી તહરીક-એ-તાલિબાન અન્ય આતંકવાદી સમૂહો માટે એક શરણ આપનારા સંગઠનમાં ફેરવાઈ શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, તહરીક-એ-તાલિબાન અને અલ-કાયદાનો સંભવિત વિલય પાકિસ્તાન અને છેવટે ભારત, મ્યાંમાર, અને બાંગ્લાદેશ સામે જોખમ વધારી શકે છે. કેટલાક સભ્ય દેશોએ અનુમાન વ્યક્ત કર્યું કે ISIL-Kના આંતકવાદીઓની સંખ્યા 4 હજારથી વધીને 6 હજાર થઈ ગઈ છે.


