- બાઇડેન ચૂંટણી રેસમાંથી હટી ગયા પછી કમલા હેરિસના સમર્થનમાં સતત વધારો
- રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે મુકાબલો
- ઓનલાઇન મતદાન દ્વારા ડેમોક્રેટ 8 ઓગસ્ટ સુધીમાં પોતાના પ્રમુખપદના ઉમેદવારની પસંદગી કરશે
અમેરિકામાં પાંચ નવેમ્બરના રોજ પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે મુકાબલો હવે નક્કી થઈ ચૂક્યો છે. જોકે ડેમોક્રેટ પાર્ટીએ હજી કલમા હેરિસને સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર કર્યા નથી. ઓનલાઇન મતદાન દ્વારા ડેમોક્રેટ 8 ઓગસ્ટ સુધીમાં પોતાના પ્રમુખપદના ઉમેદવારની પસંદગી કરશે. તે અરસામાં મંગળવારે એક સર્વેક્ષણના તારણોમાં સામે આવ્યું છે કે હેરિસ ટ્રમ્પ પર સરસાઈ ધરાવી રહ્યા છે. રોયટર્સ અને ઇપ્સોસ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણના તારણમાં જણાવ્યા મુજબ હેરિસ ટ્રમ્પ પર બે ટકા સમર્થકોની સરસાઈ ધરાવે છે. અમેરિકી પ્રમુખ જો બાઇડેને પ્રમુખપદની ચૂંટણીમાંથી ખસી જવા નિર્ણયની કરેલી જાહેરાત પછી સોમવાર અને મંગળવારે આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તે પહેલાં પ્રમુખ બાઇડેને બધાને ચોંકાવતાં પોતે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી હતી. 27 જૂને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલા ડિબેટમાં તેમનો ખરાબ દેખાવ રહેતાં ચૂંટણી નહીં લડવા તેમના પર દબાણ વધવા લાગ્યું હતું.
સર્વેક્ષણમાં કમલા હેરિસને 44 ટકા તો ડોનાલ્ડ ટ્રમ્પને 42 ટકા લોકોનું સમર્થન
હેરિસની ટીમનું કહેવું છે કે કમલા હેરિસ ડેમોક્રેટ તરફથી પ્રમુખપદની ઉમેદવારી નોંધાવવા જરૂરી સમર્થન પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ પહેલાં 15-16 જુલાઈના રોજ હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં હેરિસ અને ટ્રમ્પ બરોબરીનું 44 ટકા સમર્થન ધરાવતા હતા. તે પહેલાં 1-2 જુલાઈના રોજ યોજાયેલા સર્વેક્ષણમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક ટકા આગળ હતા. રાષ્ટ્રીય સર્વેક્ષણના તારણો કહે છે કે ભારતીય મૂળના અમેરિકી પ્રમુખપદના ડેમોક્રેટ ઉમેદવારના સમર્થનમાં સતત વધારો થઈ રહ્યો છે. સર્વેક્ષણમાં 56 ટકા લોકો એવું માને છે કે 59 વર્ષના હેરિસ માનસિક રૂપે તેજ અને પડકારોનો સામનો કરવા સક્ષમ છે. 78 વર્ષના ટ્રમ્પ વિશે 49 ટકા મતદારો જ ઉપરોક્ત મત ધરાવે છે. 78 વર્ષની ઉંમરના બાઇડેન વિશે માત્ર 22 ટકા લોકો જ ઉપરોક્ત મત ધરાવે છે.


