૨૫૦૦૦થી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાશે
રાજકોટમાં યુનિટી ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતિય ૧૨૬ દિકરીના સમુહલગ્ન
૧૦૦થી વધુ જીવનજરૂરી વસ્તુઓ આપી સન્માનભેર વિદાય આપવામાં આવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં પ્રથમ વખત યુનિટી ફાઉન્ડેશન દ્વારા ૧૨૬ દિકરીના સમુહલગ્નનું આયોજન તા.૮મીએ ૧૫૦ ફૂટ રીંગ રોડ, પરસાણા ચોક ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમાજના વિવિધ જાતિ-જ્ઞાતિના જરૂરિયાતમંદ યુવક-યુવતીઓને લગ્નસંસ્કારમાં જોડીને સન્માનપૂર્વક તેમને નવજીવનની શુભ શરૂઆત કરાવવાનો મુખ્ય ઉદ્દેશ છે.

યુનિટી ફાઉન્ડેશન દ્વારા પરંપરાગત વિધિથી લગ્નસંસ્કાર કરી, દરેક દીકરીઓને કરિયાવર સ્વરૂપે 100 થી વધુ જીવનજરૂરી વસ્તુઓ આપી સન્માનભેર વિદાય આપવામાં આવશે. આ મહત્ત્વપૂર્ણ અને ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે યુનિટી ફાઉન્ડેશન દ્વારા લાંબા સમયથી આયોજનબદ્ધ અને સઘન તૈયારીઓ ચાલી રહી છે. અને આ સમૂહ લગ્નમાં 126 લાડકી દિકરીઓના લગ્ન હોય, લગ્નમાં આવતા 25000 થી વધારે લોકો માટે સંપૂર્ણ મેનૂ સાથે ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
યુનિટી ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા આયોજિત ૧૨૬ લાડલી દીકરીઓના સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન કાર્યક્રમને સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ શહેર અને જિલ્લાના ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ નામી – અનામી દાતાશ્રીઓનો ઉદાર સહયોગ પ્રાપ્ત થયો છે. ઉપરાંત સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ તથા નાગરિકોની વિશાળ સહભાગીતાથી આ સમૂહ લગ્ન કાર્યક્રમ વ્યાપક સફળતા અને ગૌરવ પ્રાપ્ત કરી રહ્યો છે. સમાજની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેનું આ સેવાકાર્ય સામાજિક એકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ સમગ્ર કાર્યક્રમ શ્રી સી. આર. પાટીલ (કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકાર)ની અધ્યક્ષતામાં યોજાશે તેમજ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા (પ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપ), મનસુખલાલ માંડવીયા (કેન્દ્રીય મંત્રી ભારત સરકાર), હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્ય મંત્રી ગુજરાત સરકાર) તથા સમાજના પ્રતિષ્ઠિત લોકો, ઉદ્યોગપતિઓ, રાજકીય મહાનુભાવો ખાસ વિશેષ ઉપસ્થિત રહીને સમૂહલગ્નની દીકરીઓને આશીર્વાદ આપી સમગ્ર આયોજનને દીપાવશે.

આ સમૂહ-લગ્નની યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ભરતભાઈ બોધરા (ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ), પરેશભાઈ ગજેરા (પ્રમુખ RBA), પ્રમુખ હરેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ વિજયભાઈ તોગડિયા, સેક્રેટરી જીગ્નેશભાઈ કિયાડા, રાજેશભાઈ વૈષ્ણવ, અશ્વિનભાઈ રૂપાપરાના માર્ગદર્શન અને રાહબારી નીચે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.


