ઉન્નાવ રેપ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં પૂર્વ ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે સેંગરને શરતોની સાથે જામીન આપ્યા છે. તેની સાથે જ તેમને જે આજીવન કેદની સજા સંભળાવી હતી, હાઈકોર્ટે તેની પર પણ સ્ટે લગાવી દીધો છે.
15 લાખના બોન્ડ પર મળશે જામીન
નીચલી કોર્ટે તેમને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી હતી. જસ્ટિસ સુબ્રમણિયમ પ્રસાદ અને જસ્ટિસ હરીશ વૈદ્યનાથન શંકરની ડિવિઝન બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કુલદીપ સેંગરને 15 લાખના બોન્ડ પર જામીન આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે સેંગરને 15 લાખ રૂપિયાનો વ્યક્તિગત બોન્ડ જમા કરાવવાનો રહેશે અને સમાન રકમની 3 જામીનદાર રજૂ કરવાના રહેશે. તેની સાથે અન્ય શરતો પણ નક્કી કરી છે.
આ શરતો સાથે કોર્ટે સેંગરને આપ્યા જામીન
- સેંગર પીડિતાથી 5 કિલોમીટરના દાયરામાં નહીં આવે અને દિલ્હીમાં જ રહેશે.
- સેંગર પીડિતાને ધમકી નહીં આપે.
- સેંગરને પોતાનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવો પડશે.
- દરેક સોમવારે પોલીસને રિપોર્ટ કરવો પડશે.
- કોઈ પણ શરતનું ઉલ્લંઘન કરવા પર જામીન રદ કરવામાં આવશે.
- જો ભવિષ્યમાં તેની સજા યથાવત રાખવામાં આવે છે તો તેને બાકીની સજા ભોગવવા માટે કોર્ટમાં હાજર થવું પડશે.
કેસની આગામી સુનાવણી ક્યારે થશે?
આ કેસની આગામી સુનાવણી 15 જાન્યુઆરી 2026એ થશે. તે દિવસે મુખ્ય ન્યાયાધીશના આદેશને આધીન અપીલો અને અરજીઓ રોસ્ટર બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવશે.


