- પોલીસ હજુ સુધી આ ટોળકીના સાગરીતોને પકડી શકી નથી, તેના કારણે ગેંગની હિંમત વધી ગઈ
- એક લાખના ડબલ આપવાની લાલચ આપી લોકોને અસલી નોટ સામે નકલી નોટ પધરાવતી ઠગ ગેંગ
- શખ્સ પોતાનો નંબર મોકલીને વોટસએપ કોલ પર વાત કરવા માટે સૂચના આપે છે
રાજ્યમાં ફેક કરન્સીનો વેપલો કરતી ગેંગ છેલ્લા કેટલાક સમયથી સક્રિય થઈ લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી રહી છે. સોશિયલ મીડિયા પર એકના ડબલ આપવાની લાલચ આપીને ઠગ ટોળકી અસલી નોટો લઈને લોકોને નકલી નોટો પધરાવી ફરાર થઈ જાય છે. આ રીતે નકલી નોટો ફરતી કરવાના ફૂલ્યા ફાલ્યા વેપલાને રોકવા માટે પોલીસની ટીમો સક્રિય થઈ છે. જો કે, હજુ સુધી આ ટોળકીના સાગરિતોને ઝડપી લેવામાં સફળતા મળી નથી. ફેક કરન્સીના વેપલો કરતી ગેંગની હિંમત એટલી વધી ગઈ છે, બે નંબરના ધંધાની જાહેરાત સોશિયલ મીડિયા પર ફરતી કરી છે.
સોશિયલ મીડિયા પર એક લાખના બે લાખ આપવાની જાહેરાત કરનાર શખ્સનો કોઈ સંપર્ક કરે તો, તે મેસેન્જરમાં મેસેજ કરી વાતચીત કરે છે. આ શખ્સ પોતાનો નંબર મોકલીને વોટસએપ કોલ પર વાત કરવા માટે સૂચના આપે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ટોળકી લોકોને પહેલા અસલી નોટો સેમ્પલ તરીકે આપીને જણાવે છે કે, જાવ માર્કેટમાં નોટથી ખરીદી કરીને તપાસ કરી લો. જે તે વ્યક્તિ માર્કેટમાં જઈને આ ટોળકીએ આપેલી નોટોથી ખરીદી કરે એટલે કોઈ વેપારી નોટ નકલી હોવાનું જણાવતો નથી. આમ, આ ટોળકીએ આપેલી અસલી નોટો આસાનીથી બજારમાં વટાવવાથી સામેવાળી વ્યક્તિને વિશ્વાસ આવી જાય છે. આ રીતે બીજીવાર જે તે વ્યક્તિ એક લાખ કે દસ લાખની ડબલ રકમ લેવા માટે આ ગેંગના સૂત્રધારોનો સંપર્ક કરે છે.
એકના ડબલ આપવાની વાતો કરતા આરોપીઓ જે તે વ્યક્તિને રાત્રિના સમયે મળવા માટે ગ્રામ્ય વિસ્તારમાં બોલાવે છે. આ રીતે રાત્રિના સમયે એકના ડબલ લેવા માટે આવેલી વ્યક્તિ પાસેથી એક લાખની અસલી કરન્સી લઈને ગેંગના સભ્યો બે લાખની ફેક કરન્સી પધરાવીને ફરાર થઈ જાય છે. આ રીતે લોકો સાથે ઠગાઈ આચરવવામાં આવે છે. આ રીતે ઠગાઈનો ભેગ બનેલી વ્યક્તિ પોલીસ ફરિયાદ કરવા પણ જઈ શકતો નથી. જો પોલીસને જાણ કરે તો પહેલા પોતાની સામે કાર્યવાહી થશે તેવો ડર રહેતો હોય છે. આમ, સોશિયલ મીડિયા પર એક લાખના બે લાખ આપવાની જાહેરાત આપીને ઠગો દ્વારા લોકો સાથે ઠગાઈ આચરવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર મુન્ના નામનો એકાઉન્ટ ધારક
સોશિયલ મીડિયા પર મુન્ના નામના એકાઉન્ટ ધારક દ્વારા એક લાખના બે લાખ આપવાની જાહેરાત આવી છે. આ મુન્નાના પાર્ટનર જે તે વ્યક્તિને મોબાઈલ નંબર મોકલીને વોટસએપ કોલ કરવા માટે સૂચના આપી વાતચીત કરે છે. જે વ્યક્તિ વોટસએપ કોલ ના કરે તો તેની સાથે સાદા ફોનથી વાતચીત કરવામાં આવતી નથી. ટૂંકમાં આ ગેંગ વોટસએપ કોલથી જ વાતચીત કરે છે.
કચ્છની ગેંગ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે
લોકોને ડબલની લાલચ આપી ફેક કરન્સી પધરાવતી ગેંગ કચ્છની હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. એટીએસના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, એક લાખના ડબલ આપવાની જાહેરાત કરી લોકો સાથે ઠગાઈ કરતી ટોળકી અંગે અમને જાણકારી છે. આ ગેંગ કચ્છની હોવાની વિગતો મળી છે. આ બાબતે સ્થાનિક એસઓજીની ટીમને ઈનપૂટ પણ મોકલવામાં આવ્યો છે.


