ભારતે એકવાર ફરી સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં પાકિસ્તાનને બરાબરનો જવાબ આપ્યો છે. પાકિસ્તાનને આંતકવાદનું વૈશ્વિક કેન્દ્ર ગણાવ્યું છે. રાજદૂત હરીશ પીએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને લઇને પાકિસ્તાનના દાવાને આધારહીન ગણાવ્યા છે.
કાશ્મીર ભારતનો જ ભાગ છે અને હંમેશા રહેશે
સોમવારે ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. શાંતિ માટે નેતૃત્વ આ વિષય પર ચર્ચા દરમિયાન ભારતે પાકિસ્તાનને બરાબરનો જવાબ આપ્યો. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરને ભારતમાં “વિવાદાસ્પદ” પ્રદેશ ગણાવ્યો. ભારતે પાકિસ્તાનના દાવાને પાયાવિહોણા ગણાવ્યા અને પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને ભારતનો અભિન્ન ભાગ છે. તે પહેલા પણ ભારતનો ભાગ હતો, આજે પણ છે અને હંમેશા રહેશે.
પાકિસ્તાન આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પર્વતાનેની હરીશે પાકિસ્તાનને “આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર” ગણાવ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત અને તેના લોકોને નુકસાન પહોંચાડવા અને તેના વિભાજનકારી એજન્ડાને આગળ વધારવા માટે યુએન પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે.
સિંધુ જળ સંધિ પર પ્રતિક્રિયા
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ન માત્ર પાકિસ્તાનને આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર ગણાવ્યું પરંતુ સિંધુ જળ સંધિને લઇને પણ મહત્વની વાત કરી. હરીશ પર્વતાનેનીએ સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે ભારત છેલ્લા 65 વર્ષથી મિત્રતા અને સદ્ભાવનાના કારણે સિંધુ જળ સંધિનું પાલન કરી રહ્યું છે. જોકે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાને આ ભાવનાનું ઉલ્લંઘન કરીને ભારત સામે ત્રણ યુદ્ધો અને હજારો આતંકવાદી હુમલાઓ કર્યા છે ભારતે આતંકવાદના વૈશ્વિક કેન્દ્ર પાકિસ્તાન સાથેની આ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનની ધરતી પરથી ઉદ્ભવતા આતંકવાદનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી આ સંધિ સ્થગિત રહેશે
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે પાકિસ્તાને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાં ધકેલી દીધા, તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પર પ્રતિબંધ મૂક્યો, અને 27મા બંધારણીય સુધારા દ્વારા આર્મી ચીફ અસીમ મુનીરને આજીવન મુક્તિ આપી, જે એક સંવૈધાનિક તખ્તાપલટછે.


