- એકવાર વિદ્વાનો સત્ય વાંચી લે, તો એ સમાપ્ત થઈ જાય છે. તેઓ સત્યના સેંકડો અલગ અલગ અર્થઘટન પ્રસ્તુત કરશે. સત્યનું કોઈ અર્થઘટન ન કરી શકાય, સત્યને બસ અનુભવી શકાય
આપરંપરામાં આધ્યાત્મિક પ્રક્રિયાથી સંબંધિત કોઈ પણ વસ્તુ ક્યારેય લખવામાં નહોતી આવતી. તે હંમેશાં એક સમર્પિત વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને પ્રસારિત થતી હતી.
આપણે પ્રસારણની એક પ્રણાલી વિકસિત કરી છે, જેને ગુરુ-શિષ્ય પરંપરા કે ગુરુ-શિષ્ય સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈએ કંઇ અનુભવ કર્યો તો તેણે એ અનુભવ બીજી વ્યક્તિને પહોંચાડ્યો, જેણે આ સત્યને તેના જીવનના એક ભાગ તરીકે નહિ, તેની કારકિર્દી તરીકે નહિ, તેના શોખ તરીકે નહિ, પણ તેના જીવનથી ઉપર રાખ્યું. કોઈ પણ પ્રકારની વિકૃતિ વિના તેણે તે જાળવ્યું અને એક પછી એક આગળની પેઢીઓને સોંપી દીધું.
હજારો પેઢીઓ સુધી લેશમાત્ર વિકૃતિ વગર, આધ્યાત્મિક વાસ્તવિકતાઓ પ્રસારિત થતી રહી. બીજી કોઈ સંસ્કૃતિમાં આ પ્રકારની ગોઠવણ, આ પ્રકારની પ્રસારણની વ્યવસ્થા ન હતી. જ્યારે બહારથી આક્રમણો થયાં ત્યારે આ ગુરુ-શિષ્ય પરંપરા ખંડિત થઈ. એ ડરથી કે આ ક્યાંક લુપ્ત થઈ જશે, તેમણે તેને લખવાનું શરૂ કર્યું.
જ્યારે તમે તેને લખો છો તો તેમાં વિકૃતિઓ થવાની જ છે, કારણ કે બધા પ્રકારના લોકો તેને વાંચશે અને તેનો ખોટો અર્થ કાઢશે. ખાસ કરીને તો વિદ્વાનો તે વાંચશે. એકવાર વિદ્વાનો સત્ય વાંચી લે, તો એ સમાપ્ત થઈ જાય છે. તેઓ સત્યના સેંકડો અલગ અલગ અર્થઘટન પ્રસ્તુત કરશે. સત્યનું કોઈ અર્થઘટન ન કરી શકાય, સત્યને બસ અનુભવી શકાય. તમે કોઈ પણ રીતે તેનું અર્થઘટન કરશો, તમે ખોટા જ ઠરશો. જો તમે ભગવદ્ગીતાને ઉદાહરણ તરીકે લો તો તેના લાખો અલગ અલગ પ્રકારનાં અર્થઘટન છે. સત્યનું કોઈ અર્થઘટન ન કરી શકે, તમે તેનો અનુભવ કરી શકો છો. તમે એ બની શકો છો, પણ તમે તેનું અર્થઘટન ન કરી શકો, કેમ કે આ કોઈ શૈક્ષણિક વિષય નથી. એ કંઇક એવું છે જે તમારી અંદર છે.
તો આ કારણથી તેમણે જે કંઇ પણ આધ્યાત્મિક છે તે લખ્યું ન હતું. તેનું બસ પ્રસારણ કરવામાં આવ્યું, એક પેઢીથી આગામી પેઢીમાં. આજે પણ યોગનો સાચો સાર બસ વાર્તાઓના માધ્યમથી જીવિત રાખવામાં આવ્યો છે અને તેને ક્યારેય લખવામાં નથી આવ્યો. બસ યોગનું શરીર જ લખવામાં આવ્યું છે, કેમ કે બસ શરીરને જ લખવામાં આવ્યું છે, તો વિદ્વાનો તેનું અધ્યયન કરે છે અને તેને શરીર અને મનની એક વિચિત્ર કસરત બનાવી દે છે. તે યોગ નથી, તે બસ યોગનું શરીર છે. સાર ત્યાં નથી કારણ કે જ્યાં સુધી તમારી અંદર અગ્નિ નહિ પ્રગટે, ત્યાં સુધી સાર નહિ આવે. સાર કોઈ શિક્ષા કે પુસ્તકોમાંથી નહિ આવે. તેને તમારી અંદર પ્રજ્વલિત કરવો પડશે, ત્યારે જ તે ઘટિત થાય છે.