- RBI એ ચોક્કસ પેમેન્ટ માટે UPIની લિમિટ વધારવાનો પણ નિર્ણય લીધો
- લોકોને હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં મોટી ચુકવણી કરવામાં મદદ મળશે
- રેપો રેટમાં કોઈ ફેરફાર ના કરાયો
ભારતીય રિઝર્વ બેંકે UPI ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફાર કર્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે RBIની નાણાકીય નીતિની જાહેરાત કરી હતી. આ સમય દરમિયાન, શક્તિકાંત દાસે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI પરના વ્યવહારોની મર્યાદામાં ફેરફાર કર્યો છે. આ સાથે RBI એ ચોક્કસ પેમેન્ટ માટે UPIની લિમિટ વધારવાનો પણ નિર્ણય કર્યો છે.
5 લાખ સુધી કરી શકશે ટ્રાન્સફર
UPI ના નવા ટ્રાન્ઝેક્શન નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિ UPI દ્વારા એક સમયે મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકે છે. જે પહેલા માત્ર 1 લાખ રૂપિયા સુધી મર્યાદિત હતી. પરંતુ રૂ. 5 લાખની UPI ચુકવણી માત્ર પસંદગીની સેવાઓ માટે જ કરી શકાય છે. જેમાં હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે.
હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ચૂંકવણી થશે સહેલી
RBI ગવર્નરે કહ્યું કે UPI ટ્રાન્ઝેક્શનની ઘણી શ્રેણીઓમાં ચૂકવણીની મર્યાદામાં સમયાંતરે ફેરફાર કરવામાં આવે છે. હવે એવી દરખાસ્ત કરવામાં આવી રહી છે કે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં UPI દ્વારા ચૂકવણીની મહત્તમ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. આના દ્વારા લોકોને હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં મોટી ચુકવણી કરવામાં મદદ મળશે.
ઓથેંટિકેશનની પડશે જરૂર
તે જ સમયે, મ્યુચ્યુઅલ ફંડ સબસ્ક્રિપ્શન, વીમા પ્રીમિયમ, ક્રેડિટ કાર્ડની ચુકવણી માટે ઇ-મેંડેટની મર્યાદા વધારવામાં આવી છે. હવે તે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. 15,000 રૂપિયાથી વધુની ચુકવણી પર વધારાના ઓથેંટિકેશનની જરૂર પડશે. રિકરિંગ નેચરની ચુકવણી માટેની મર્યાદા વધારીને રૂ. 1 લાખ કરવામાં આવી છે, જેનાથી ઇ-મેંડેટનો ઉપયોગ વધશે. નોંધનીય છે કે આજે મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયો વિશે માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. તેને માત્ર 6.5 ટકા રાખવામાં આવી છે.


