રૂ.પપ કરોડના પ્રોજેકટમાં લોટ પાણીને લાકડા
પુરાવા સહિતની ફરિયાદો છતાં તપાસ થતી નથી: બેદરકારી પાછળ કોન્ટ્રાકટરની રાજકીય વગ
અગ્ર ગુજરાત, ઉપલેટા
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ ઉપલેટા રેલવે સ્ટેશન પર ચાલી રહેલા પ્લેટફોર્મ નંબર એક ના વિસ્તરણના કામમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે જાગૃત નાગરિક દ્વારા ફોટોગ્રાફ્સ અને પુરાવા સાથે લેખિત ફરિયાદો કરવા છતાં રેલવેનું તંત્ર ઘોર નિદ્રામાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ બેદરકારી પાછળનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટરની રાજકીય વગ છે.
આધારભૂત વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે, આ કામ કરી રહેલી એજન્સી અને કોન્ટ્રાક્ટર રાજનેતાઓ તથા મંત્રીઓ સાથે અંગત સંબંધો અને ઉચ્ચ કક્ષાના સંપર્કો ધરાવે છે. આ ‘રાજકીય છત્રછાયા’ ને કારણે કોન્ટ્રાક્ટરને કાયદા કે નિયમોનો કોઈ ડર રહ્યો નથી. “લોટ, પાણી અને લાકડા” જેવી અત્યંત હલકી કક્ષાની કામગીરી ચાલી રહી હોવા છતાં, કોઈ પણ અધિકારી કોન્ટ્રાક્ટર સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત કરતા નથી.
સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ અને ત્યારબાદ ૦૬ જાન્યુઆરી તથા ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ પુરાવાઓ સાથે લેખિત ફરિયાદો કરવામાં આવી છે ત્યારે આ ફરિયાદમાં સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે સિમેન્ટ-રેતીના મિશ્રણ અને લોખંડના સળિયાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવે તેમ છતાં, આજદિન સુધી રેલવેના કોઈ જવાબદાર અધિકારીએ સાઈટ પર આવીને સેમ્પલ લેવાની તસ્દી લીધી નથી.
કોન્ટ્રાકટરને છાવરવામાં આવતો હોવાનો આક્ષેપ
પુરાવાઓ હોવા છતાં તપાસ ન થવી એ શંકા ઉપજાવે છે કે શું અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારમાં ભાગીદાર છે? સામાન્ય રીતે ફરિયાદ મળતાની સાથે જ વિજિલન્સ તપાસ થતી હોય છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવી રહ્યો છે. લોકોમાં એવી ચર્ચા છે કે રાજકીય દબાણ અને “ભ્રષ્ટાચારની મલાઈ” ના કારણે જવાબદાર અધિકારીઓ જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યા છે જેથી કોન્ટ્રાક્ટર તેનું નબળું કામ પૂરું કરી શકે.


