6 ગ્રામ ફાઇન સોનુ પરત માંગતા વિવાદ વધ્યો, 26 વર્ષીય મહંમદ નજીમુદ્દીન ગંભીર રીતે દાઝ્યો
રાજકોટની સોની બજારમાં ઉછીના આપેલા સોનાને લઈને થયેલા ઝઘડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. સોની કામ કરતા બંગાળી કારીગર પર માર મારી એસિડ એટેક કરવામાં આવતા સમગ્ર બજારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવમાં ગંભીર રીતે દાઝી ગયેલા 26 વર્ષીય યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે એ. ડિવિઝન પોલીસએ અબ્બાસ શેખ નામના આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહંમદ નજીમુદ્દીન અબ્દુલમનન હલદર (ઉ.વ. 26, રહે. સોની બજાર, જુની ગધીવાડ સિલ્વર દુકાન પાસે, રાજકોટ) મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. છેલ્લા લગભગ 14 વર્ષથી તે રાજકોટમાં રહે છે અને સોની બજારમાં સોનાના કામની છુટક મજૂરી કરી જીવન નિર્વાહ કરે છે. તે પોતાના સગા-સંબંધીઓ તથા બંગાળી મિત્રો સાથે રાજકોટમાં વસવાટ કરે છે.
ફરિયાદમાં મહંમદ નજીમુદ્દીને જણાવ્યું કે, તે તથા તેના મિત્રો પુલ્લકભાઈ ઘરાઈ, અભ્યાસ અખ્તારભાઈ શેખ, સફીક ઉલ રહેમાન, શેખ મૌદુલ અને શેખ સલીમ સહિત મળીને સોનાની ‘વીસી (વેન્ચર કેપિટલ) યુનિટ’ ચલાવતા હતા. આ યુનિટમાં તમામ સભ્યો દર મહિને થોડું-થોડું ફાઇન સોનુ જમા કરાવતા અને જરૂર પડે ત્યારે ઉપાડ રૂપે સોનુ લઈ શકતા હતા, જે નિયત સમયમર્યાદામાં પરત જમા કરવાનું રહેતું હતું. આ યુનિટનું સંચાલન અબ્બાસ અતારભાઈ શેખ કરતો હતો. મહંમદ નજીમુદ્દીને આશરે ત્રણ મહિના પહેલા આ યુનિટમાંથી 20 ગ્રામ ફાઇન સોનુ ઉપાડ રૂપે લીધું હતું, જેમાંથી કટકે-કટકે 14 ગ્રામ પરત જમા કરાવી દીધું હતું. જોકે, 6 ગ્રામ ફાઇન સોનુ બાકી રહેતા અબ્બાસ શેખ તેને વારંવાર પરત જમા કરાવવા દબાણ કરતો હતો. આ બાબતે બંને વચ્ચે અગાઉ પણ અવારનવાર બોલાચાલી અને ઝઘડાઓ થતા હતા.
ગત તા. 29/12/2025ના રોજ બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ સોની બજાર, માંડવી ચોક વિસ્તારમાં હિરેન ચેમ્બર બિલ્ડિંગના બીજા માળે આવેલી અબ્બાસની દુકાને મહંમદ, પુલ્લક અને અબ્બાસ સોની કામની મજૂરી કરી રહ્યા હતા. તે સમયે અબ્બાસે ફરીથી 6 ગ્રામ ફાઇન સોનુ જમા કરાવવાની માંગ કરી હતી. મહંમદે હાલ સગવડ ન હોવાનું જણાવતાં અબ્બાસ ઉશ્કેરાયો અને અપશબ્દો બોલવા લાગ્યો. વિરોધ કરતા અબ્બાસે તેને માર માર્યો અને દુકાનમાં સોનુ ગાળવા માટે રાખેલું એસિડ ભરેલું ડબ્બું મહંમદ પર ફેંકી દીધું.
એસિડ પડતા મહંમદની પીઠ, ડાબા હાથના કોણી ભાગ, ગળા, હોઠ તેમજ બન્ને હાથના અંગુઠા પાસે ગંભીર દાઝ થઈ હતી. શરૂઆતમાં તેને ગુંદાવાડી હોસ્પિટલ અને ત્યારબાદ ત્રંબા ગામ બસ સ્ટેન્ડ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. બાદમાં દુઃખાવો વધતા મિત્રોની મદદથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાને લઈ પોલીસે અબ્બાસ શેખ સામે ગંભીર ગુનો નોંધ્યો છે. બનાવને પગલે સોની બજાર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.


