- એજન્ડા ઉપરના તમામ કામો બહુમતીથી ના મંજૂર થયા
- ગણતરીની મિનિટોમાં જ સભા પૂર્ણ થઈ ગઈ
- આજની સભા કોઈપણ કામો મંજુર થયા વગર પૂર્ણ થઈ હતી
કપડવંજ નગર સેવા સદનની સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ વર્ષા પંચાલના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં સી.ઓ. કે.કે.પ્રજાપતિ, ઉપપ્રમુખ નિરવ પટેલ, કરોબારી અધ્યક્ષ અલ્પેશ પંડયા સહિત કુલ-28 સદસ્યોમાંથી 24 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમામ કામોમાં હાજર રહેલા 24 સદસ્યોમાંથી 13 સદસ્યોએ પોતાનો દરેક કામમાં વિરોધ નોંધવતા સભા પુરી થઈ ગઈ હતી. પાલિકા સદસ્યો ઈમ્તિયાઝ શેખ, પંકજ પટેલ,પૂર્વ પાલિકા ઉપપ્રમુ મોઈન શેખ વગેરે સદસ્યો આક્રમક મૂડમાં હતા જ્યારે પલિકા સદસ્ય નિમેષ જામે અગાઉ ઠરાવ થયેલ મહારાણા પ્રતાપની પ્રતિમા સહિત અગાઉના ઠરાવો જે મંજુર થયા છે તે કામ હાથ ઉપર લેવા તથા બજેટમાં થોડા સુધારા કરી પુનઃ બજેટ રજૂ કરવા અનુરોધ કર્યો હતો. વિરોધ સુરમાં કેટલાક પાલિકા સદસ્યોએ નગરપાલિકાની મિલકતો બારોબાર વેચાઈ જાય છે તેના ઉપર ખાસ ધ્યાન રાખી જરૂરી તે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.
પાલિકા પ્રમુખ વર્ષા પંચાલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે કેટલાક સદસ્યોએ સંકલનના અભાવનો મુદ્દો ઉઠાવી હાજર સદસ્યોમાંથી 13 જેટલા સદસ્યોએ અમુક કામોનો વિરોધ કરતા આજની સભા કોઈપણ કામો મંજુર થયા વગર પૂર્ણ થઈ હતી.


