કોર્ટ ચાલુ થયા બાદ જૂની કોર્ટમાં બેસતા તમામ વકીલોના ટેબલ ગોઠવાય તે પહેલા લાગતાં વળગતાંઓએ ટેબલ ગોઠવી દેતા ૧૦૦થી વધુ વકીલો વચ્ચે માથાકૂટ
ડિસ્ટ્રીકટ જજ અને બાર એસો.ના હોદેદારો વચ્ચે બેઠક શરૂ : તમામ ટેબલો બહાર કાઢી નવેસરથી વ્યવસ્થા ગોઠવવા વિચારણા
રાજકોટમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસે જે ડિસ્ટ્રીકટ કોર્ટનું હજુ ઉદ્દઘાટન કર્યુ અને નવી કોર્ટની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ ફજેતો થયો છે. વકીલોના ટેબલ કોર્ટ સંકુલમાં ગોઠવવામાં ધમાલ થઇ હતી. જે અનુસંધાને વકીલો અને તેના સમર્થકોના ટોળા કોર્ટમાં ધસી આવ્યા હતા અને જેમને જયાં મન પડે ત્યાં ટેબલો ગોઠવી દીધા હતાં. આ ઘટનાની ડિસ્ટ્રીકટ જજને જાણ થતાં તાત્કાલીક કોર્ટમાં પોલીસ બોલાવવી પડી હતી. ત્યારબાદ મામલો કાબુમાં આવ્યો હતો. બીજી બાજુ ડિસ્ટ્રીકટ જજે બાર એસો.ના હોદેદારો સાથે બેઠક યોજી હાલ કોર્ટમાં જેટલા ટેબલ ગોઠવાઇ ગયા છે તે તમામ ટેબલો બહાર કાઢી બાર એસો. તથા કોર્ટ મેનેજમેન્ટની સમજુતી બાદ વ્યવસ્થા મુજબ ટેબલ ગોઠવાઇ તે માટે પ્રયાસો હાથ ધરાશે.
મળતી વિગતો મુજબ નવા કોર્ટ બિલ્ડીંગનું ઉદ્દઘાટન થયા બાદ પ્રાથમિક ધોરણે એવુ નક્કી થયુ હતું કે જુની કોર્ટના જુદા-જુદા બિલ્ડીંગમાં જે વકીલોના ટેબલ છે તેમની સંપૂર્ણ યાદી કરી બાર એસો. આ યાદી કોર્ટ મેનેજર સાથે મળી નવી વ્યવસ્થા ગોઠવશે. જેમાં તમામ જૂના વકીલોને તેમના ટેબલ જરૂરીયાત મુજબ ગોઠવાઇ જશે. ત્યારબાદ યાદીના બાકી રહેતા વકીલોના ટેબલ માટે વધારાની જગ્યા ફાળવવામાં આવશે.
પરંતુ ગઇકાલથી કોર્ટમાં જે સમજુતી થઇ હતી તે મુજબ ટેબલ ગોઠવવાના બદલે ચોક્કસ હિત ધરાવતા વકીલોએ તેમના ટેબલ ગોઠવી દીધા હોવાની ફરિયાદ ઉઠી હતી. આ અનુસંધાને જુનીયર વકીલોમાં ભારે ધમાલ મચી ગઇ હતી. કારણ કે તેમના ટેબલ ગોઠવવા માટે કોઇ વ્યવસ્થા ન હોવાની ફરિયાદ ઉઠી હતી. બીજી બાજુ લાગતા-વળગતાં વકીલોના ટેબલ ગોઠવાઇ ગયા બાદ જે વકીલોને ટેબલ ન્હોતા મળ્યાં તેમણે જગ્યા કબ્જે કરવા માટે તેમના સમર્થકોને કોર્ટમાં બોલાવતા કોર્ટમાં થોડીવાર માટે ધમાલ મચી ગઇ હતી. આથી પોલીસ બોલાવવી પડી હોવાનું જાણવા મળે છે. અંદાજે ૧૦૦થી વધુ વકીલો વચ્ચે આ માથાકૂટ આજે પણ ચાલુ રહી હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને જુનિયર વકીલો લટકી ગયાની ફરિયાદ ઉઠી છે.
આ મામલો થાળે પાડવા ડિસ્ટ્રીકટ જજ તથા કોર્ટ મેનેજર એચ.કે.છેતરીયા વગેરે રાજકોટ બાર એસો.ના સિનિયર વકીલો સાથે મંત્રણા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.