શનિવારે કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સમાં એક હેલ્થ ક્લિનિક નજીક થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા. એફબીઆઈએ આ ઘટનાને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો છે. એફબીઆઈના લોસ એન્જલસ ફિલ્ડ ઓફિસના સહાયક નિર્દેશક અકિલ ડેવિસે જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓને આ કેસમાં એક શંકાસ્પદ વ્યક્તિ મળી છે જેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ક્લિનિકમાંથી નીકળ્યો ધુમાડો
એફબીઆઈના અધિકારી ડેવિસે જણાવ્યું હતું કે માર્યો ગયેલો વ્યક્તિ એક કાર પાસે મળી આવ્યો હતો જે વિસ્ફોટમાં સંપૂર્ણપણે નાશ પામી હતી. આ કાર અમેરિકન રિપ્રોડક્ટિવ સેન્ટર્સની હતી. આ વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યે નોર્થ ઈન્ડિયન કેન્યોન ડ્રાઈવ અને ઈસ્ટ તાચેવાહ ડ્રાઈવના ચાર રસ્તા પર થયો હતો.
એફબીઆઈના અધિકારી ડેવિસે કહ્યું કે એમાં કોઈ શંકા નથી કે આ એક જાણી જોઈને કરાયેલો આતંકવાદી હુમલો હતો. તેમણે કહ્યું કે તપાસમાં નક્કી થશે કે આ “આંતરરાષ્ટ્રીય આતંકવાદનો કેસ છે કે સ્થાનિક આતંકવાદનો.”
ઘટનાની તપાસમાં એટસીએફ (દારૂ, તમાકુ, અગ્નિ હથિયારો અને વિસ્ફોટકો બ્યુરો) અને FBI પણ ઘટનાની તપાસમાં સ્થાનિક પોલીસને સહકાર આપી રહ્યા છે. ઘટના પછી સામે આવેલા વીડિયો ફૂટેજમાં, ક્લિનિકમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
‘સદનસીબે ક્લિનકમાં કોઈ દર્દી નહોતા’
અમેરિકન રિપ્રોડક્ટિવ સેન્ટર્સ નામનું ફર્ટિલિટી ક્લિનિક ચલાવતા ડૉ. માહેર અબ્દુલ્લાએ જણાવ્યું કે વિસ્ફોટમાં તેમના ક્લિનિકને નુકસાન થયું હતું. જોકે રાહતની વાત એ છે કે તમામ સ્ટાફ સુરક્ષિત છે અને તે સમયે ક્લિનિકમાં કોઈ દર્દી હાજર નહોતો.
વિસ્ફોટથી ક્લિનિકના ઓફિસ વિસ્તારને નુકસાન થયું હતું જ્યાં દર્દીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે, પરંતુ IVF લેબ અને તેમાં સંગ્રહિત ભ્રૂણ સહી સલામત રહ્યા. ડૉ. અબ્દુલ્લાએ કહ્યું, ‘મને બિલકુલ સમજાતું નથી કે શું થયું છે.’ સદનસીબે આજે કોઈ દર્દી નહોતો.


