સરકારી ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્યથી અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલ સરકારી કાર્યક્ષમતા વિભાગ (DOGE) હવે બંધ થઈ ગયું છે. આ વિભાગ તેનો કાર્યકાળ પૂરો થવા માટે આઠ મહિના બાકી હોવા છતાં ભંગ કરી દેવાયો છે, જ્યારે તેનો ઉદ્દેશ જુલાઈ 2026 સુધી ચાલુ રાખવાનો હતો. DOGE ને ટ્રમ્પની સરકારને નાની કરવા અને ખર્ચ ઘટાડવા માટેનું મોટું પગલું માનવામાં આવતું હતું, પરંતુ ઘણા લોકોનું માનવું છે કે આનાથી વધારે વધુ બચત થઈ નથી. અમેરિકન કર્મચારી મામલાના વડા સ્કોટ કૂપરે જણાવ્યું કે હવે DOGE કોઈ કેન્દ્રિય વિભાગ નથી રહ્યો. તેના કેટલાક કામ હવે ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટ (OPM) કરીને રહી છે.
જણાવી દઈએ કે DOGE જાન્યુઆરીમાં શરૂ થયો હતો. શરૂઆતમાં તે આખા વોશિંગ્ટન D.C.માં સક્રિય હતો અને સરકારી એજન્સીઓનું કદ ઓછું કરવું, બજેટ ઘટાડવું અને ટ્રમ્પની પ્રાથમિકતાઓ અનુસાર કામ બદલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
મુખ્ય સભ્યોએ સંભાળી નવી ભૂમિકાઓ
DOGEના મુખ્ય લોકો હવે નવી ભૂમિકાઓમાં કાર્યરત છે. એરબીએનબીના સહ-સ્થાપક જો ગેબીઆ હવે નેશનલ ડિઝાઇન સ્ટુડિયોનું નેતૃત્વ કરી રહ્યા છે, અને તેમનું કામ સરકારી વેબસાઇટોને વધુ આકર્ષક બનાવવાનું છે. DOGEના અન્ય કર્મચારીઓ જેમ કે એડવર્ડ કોરિસ્ટિન હવે પ્રશાસનમાં નવી જવાબદારીઓ નિભાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, ઝેકરી ટેરેલ હવે આરોગ્ય અને માનવીય સેવાઓ વિભાગના મુખ્ય ટેકનિકલ અધિકારી છે, જ્યારે રાચેલ રીલે નૌસેના સંશોધન કચેરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
DOGEનો પ્રચાર અને વિવાદ
તાજેતરમાં DOGEએ દાવો કર્યો હતો કે તેણે અબજો ડોલર બચાવ્યા, પરંતુ તેના આંકડા જાહેર કરવામાં આવ્યા નહોતા. એલન મસ્કે DOGEના કામની ખૂબ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તે બ્યુરોક્રેસી માટે “ચેનસો” જેવું છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના બીજા કાર્યકાળના પ્રથમ દિવસે જ સરકારી ભરતી પર પ્રતિબંધ મૂકાયો હતો.
હવે આ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. DOGEના ઘણા કર્મચારીઓ હવે નવી પ્રશાસકીય અને ટેકનિકલ ભૂમિકાઓમાં કાર્ય કરી રહ્યા છે. બીજી તરફ ટ્રમ્પની ટીમ હવે નિયમોમાં ઘટાડો કરવા અને AI દ્વારા સરકારી નિયમોની સમીક્ષા કરવા પર કાર્યરત છે


