અમેરિકામાં આગામી પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. આશરે 48 દિવસ પછી અમેરિકાના મતદારો પોતાના નવા આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ વિશેષ હશે. કારણ કે, કમલા હેરિસ જીતી જશે તો અમેરિકાને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મળશે જ્યારે ટ્રમ્પ જીતશે તો આ બીજી ટર્મ હશે.
જો કે, ચૂંટણી પરિણામો પહેલા આવી રહેલા સરવેમાં નજર નાખીએ તો ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ પોતાના હરિફ ટ્રમ્પથી ઘણા આગળ છે. ટ્રમ્પ પર આશરે બે મહિનામાં બે વાર જીવલેણ હુમલાનો પ્રયાસ થઈ ચુક્યો છે. પરંતુ અમેરિકી ચૂંટણીમાં સરવેમાં આની કોઈ ખાસ અસર જોવા નથી મળી રહી.
એટલું જ નહીં, સ્વિંગ રાજ્યોમાંથી પણ ટ્રમ્પ માટે સારા સમાચાર આવી રહ્યા નથી, કમલા હેરિસ 7માંથી 6 સ્વિંગ રાજ્યોમાં આગળ છે. ટ્રમ્પ માત્ર 11 ઈલેક્ટોરલ વોટ સાથે એરિઝોના રાજ્યમાં કમલા હેરિસ કરતાં એક પોઈન્ટથી આગળ છે. આ સિવાય અન્ય તમામ સ્વિંગ સ્ટેટ્સમાં કમલા હેરિસ આગળ ચાલી રહી છે. હેરિસ વિસ્કોન્સિનમાં 3 પોઈન્ટ અને નેવાડામાં 2 પોઈન્ટથી આગળ છે. આ સિવાય નોર્થ કેરોલિના, મિશિગન, પેન્સિલવેનિયા અને જ્યોર્જિયામાં કમલા હેરિસને એક પોઈન્ટની લીડ મળી રહી છે.
જો સરવે સાચો સાબિત થશે તો શું થશે?
જો આ સરવેના આંકડાઓને પરિણામોમાં ફેરવવામાં આવે તો કમલા હેરિસને ચૂંટણીમાં સરળતાથી બહુમતી મળી જશે. યુએસ પ્રમુખપદની ચૂંટણી જીતવા માટે 270 ઈલેક્ટોરલ કોલેજ વોટ જરૂરી છે, તેથી જો મતદારોનો મૂડ એવો જ રહેશે તો કમલા હેરિસને 308 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળશે. તે જ સમયે, જો મતદાન જમીની વાસ્તવિકતાને સમજવામાં સફળ ન થાય તો ટ્રમ્પ બીજી વખત સરકાર બનાવી શકે છે.
વર્ષ-2016 વાળું પ્રદર્શન ટ્રમ્પ દોહરાવશે?
ડોનાલ્ડ ટ્રમ્પ જે શરૂઆતના પ્રચાર અભિયાનમાં સરવેમાં બાઈડેનથી આગળ હતા પરંતુ કમલા હેરિસ રેસમાં આવતા બે અઠવાડિયાથી સતત પાછળ ધકેલાઈ ગયા છે. જો કે વર્ષ-2016માં ટ્રમ્પે હિલેરી ક્લિંટનની સરખામણી એક ટકા ઓછા વોટ મળ્યા પરંતુ તેઓ જરૂરી 270 ઈલેકટોરલ વોટસ મેળવવામાં સફળ રહ્યા. છ સ્વિંગ સ્ટેટસે ટ્રમ્પના પક્ષમાં વોટ નાખ્યા હતા. પરિણામે મોટા રાજ્યોમાં વધુ વોટ મળતા હિલેરી ક્લિંટન ચૂંટણી હારી ગઈ.
શું છે ઈલેકટોરોલ કૉલેજ
અમેરિકાના 50 રાજ્યોમાં 538 ઈલેકટોરલ કોલેજ છે. કોઈપણ ઉમેદવારને ચૂંટણીમાં જીતવા માટે 270નો જાદુઈ આંકડો સ્પર્શવો પડતો હોય છે. અમેરિકાના મતદાતા જ્યારે મત આપે ત્યારે તેઓ સીધા કોઈ ઉમેદવારને વોટ નથી આપતા પરંતુ રાજ્યોમાં બનાવેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓના એક નાના જૂથને વોટ આપે છે. આ જૂથને ઈલેકટોરલ કોલેજ કહેવામાં આવે છે. આ ઈલેકટોરલ કોલેજનું સમર્થન જે તે ઉમેદવારની જીત-હાર નક્કી કરે છે. પરંતુ અમેરિકાના 50માંથી 38 રાજ્યો એવા છે જે દરેક વખતે કોઈને કોઈ વિશેષ પાર્ટીને વોટ આપે છે. એટલે કે આ લોકોને મૂડ ફિક્સ હોય છે. પરંતુ 12 રાજ્ય એવા છે જ્યાં કડક સ્પર્ધા છે. તેઓનો વોટ જીત-હારનો નિર્ણય કરે છે. વર્ષ-2024ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ 12માંથી સાત રાજ્ય એવા છે જે નિર્ણાયક મનાય છે. આમાં 93 ઈલેકટોર વોટ છે જે ચૂંટણીની બાજીને પલટી દેવામાં મદદરૂપ થઈ શકે છે.


