- કર્મચારીઓને સતાવતું ટેન્શન કંપનીની બેલેન્સશીટને પણ ખરાબ કરી રહ્યું છે
- આગામી સમયમાં ટેન્શન એક રોગચાળો સાબિત થઈ શકે છે તેવું જણાવતા તજ્જ્ઞો
- અમેરિકાના અર્થતંત્રને જ દર વર્ષે જીડીપીના 1.6 ટકાનું નુકસાન
કર્મચારીઓને સતાવતું ટેન્શન ફક્ત તેની કાર્યક્ષમતાને જ પ્રભાવિત નથી કરતું પણ સાથે સાથે તેની કંપનીની બેલેન્સશીટને પણ ખરાબ કરી રહ્યું છે. આ ટેન્શનના કારણે સમગ્ર દેશના અર્થતંત્રની વૃદ્ધિમાં પણ ઘટાડો આવી શકે છે. કર્મચારીઓમાં ટેન્શનના કારણે અમેરિકાના અર્થતંત્રને જ દર વર્ષે જીડીપીના 1.6 ટકાનું નુકસાન થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા પ્રમાણે ભારતને પણ કર્મચારીઓમાં ટેન્શનના કારણે દર વર્ષે જીડીપીના એક ટકાનું નુકસાન થાય છે. મનોરોગ તજજ્ઞોનું કહેવું છે કે જે ખતરનાક ગતિથી કર્મચારીઓમાં ટેન્શન વધી રહ્યું છે તે જોતા આગામી સમયમાં ટેન્શન એક રોગચાળો સાબિત થઈ શકે છે અને તેને કારણે દેશના અર્થતંત્રને ભારે નુકસાન થઈ શકે છે. મનોરોગ નિષ્ણાતોનું માનવું છે કે જો કર્મચારીઓમાં પરસ્પરનું રાજકારણ, વરિષ્ઠો દ્વારા દરેકે દરેક કર્મચારીઓ સાથે સમાન વર્તાવ, કર્મચારીઓને કંપનીઓ દ્વારા કરવામાં આવતાં ટાર્ગેટને ઘટાડીને અનાવશ્યક ટેન્શનને ઘટાડી શકાય છે. કંપનીઓ કર્મચારીઓની ઉત્પાદકતા વધારવા માટે તેની કાર્યક્ષમતા અનુસાર કામ આપતી હોવા જોઈએ.
22.8 ટકા US કર્મચારીઓને કોઈને કોઈ માનસિક બીમારી
કુલ અમેરિકન કર્મચારીઓમાંથી લગભગ 22.8 ટકા કર્મચારીઓ કોઈને કોઈ માનસિક બીમારીથી પરેશાન છે અને તેને કારણે કંપનીઓને દર વર્ષે 50 અબજ અમેરિકન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. તેની સરખામણીએ ભારતમાં હાલમાં કુલ કર્મચારીઓના લગભગ દસ ટકા લોકો માનસિક સમસ્યાઓથી પીડિત છે. જો કે તેમ છતાં ભારતને દર વર્ષે લગભગ 46 અબજ ડોલરનું નુકસાન થાય છે.