- અમેરિકાના સેન એંટોનિયોમાં ભારતીય મૂળના આોપીનું પોલીસ કાર્યવાહીમાં ગોળી વાગતા મોત
- 42 વર્ષીય સચિન સાહુ નામના વ્યકિતને પકડવા જતા બે અધિકારને કારની ટક્કર મારી
- કારની ટક્કરમાં બંને પોલીસકર્મી ઈજાગ્રસ્ત, એક પોલીસે આરોપીને ગોળી મારી દીધી
અમેરિકાના સેન એન્ટોનિયોમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ગોળી વાગતાં ભારતીય મૂળના એક આરોપીનું મોત થયું હતું. પોલીસ અધિકારીઓ સચિન સાહુ (42)ને પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના વાહન સાથે બે અધિકારીઓને ટક્કર મારી હતી, ત્યારબાદ પોલીસ ઓફિસર ટાયલર ટર્નરે તેના પર ગોળીબાર કર્યો હતો. સાહુ મૂળ ઉત્તર પ્રદેશનો હતો. સૂત્રોએ જણાવ્યું કે તે કદાચ અમેરિકન નાગરિક હતો.
પોલીસે વોરંટ જાહેર કર્યું હતું
આખા કેસ વિશે માહિતી આપતા, સાન એન્ટોનિયો પોલીસ વિભાગે જણાવ્યું હતું કે અધિકારીઓને 21 એપ્રિલના રોજ સાંજે 6:30 વાગ્યા પહેલા સેન એન્ટોનિયોમાં ચેવિઓટ હાઇટ્સ પર ગંભીર હુમલાની માહિતી મળ્યા બાદ રવાના કરવામાં આવ્યા હતા. પહોંચ્યા પછી, અધિકારીઓને ખબર પડી કે એક 51 વર્ષીય મહિલાને ઈરાદાપૂર્વક વાહન દ્વારા ટક્કર મારવામાં આવી હતી. વિભાગના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ સાહુ સ્થળ પરથી ભાગી ગયો હતો. પીડિત મહિલાને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ પછી સેન એન્ટોનિયો પોલીસે સાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.
પોલીસ અધિકારીઓ ઘરે પહોંચ્યા
પોલીસે જણાવ્યું કે ઘણા કલાકો પછી આરોપીના પડોશીઓએ જાણ કરી કે સાહુ પાછો ફર્યો છે, જેના પછી અધિકારીઓ તેના ઘરે પહોંચ્યા. ત્યારબાદ સાહુએ બે અધિકારીઓને પોતાના વાહનથી ટક્કર મારી હતી. આ દરમિયાન એક અધિકારીએ પોતાના હથિયારથી સાહુ તરફ ફાયરિંગ કર્યું. સાહુને “સ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો”. એક ઘાયલ અધિકારીને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને અન્ય અધિકારીને ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી હતી, પોલીસે જણાવ્યું હતું. આ દરમિયાન અન્ય કોઈને ઈજા થઈ નથી. આ બાબતે તપાસ ચાલી રહી છે. પોલીસ ચીફ બિલ મેકમેનસે કહ્યું કે પોલીસે હજુ સુધી બોડીકેમ ફૂટેજ જોયા નથી. આ જોયા બાદ વધુ હકીકતો જાણવા મળે તેવી અપેક્ષા છે.
મૃતક વ્યકિતની પૂર્વ પત્નીએ આપ્યું નિવેદન
મળતી માહિતી અનુસાર મૃતક સાહુની પહેલી પત્ની લિયા ગોલ્ડસ્ટીને રહ્યું કે સાહુને બાયપોલર ડિસઓર્ડર હતો. તે છેલ્લા 10 વર્ષથી આ રોગથી પીડાઈ રહ્યો હતો. આ ઉપરાંત એમાં સ્ક્રિઝોફ્રેનિયાના લક્ષણો પણ હતા. બાયપોલર ડિસઓર્ડર એક એવો માનસિક રોગ છે જેમાં પીડિત વ્યકિત ક્યારેક ખુશી અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરે છે કોઈવાર હતાશ અને ખિન્ન રહે છે. સ્ક્રિઝોફ્રેનિયા પણ એક એવો માનસિક રોગ છે જેમાં દર્દી ભ્રમની સ્થિતિમાં રહે છે. મૃતક સાહુની પત્નીએ તેના પતિને સારો પિતા અને વ્યકિત જણાવ્યો હતો.


