- અમેરિકાના સિએટલથી ડલાસ જતી ફલાઈટમાં બની વિચિત્ર ઘટના
- ચાલુ ફલાઈટમાં શખ્સે મહિલા ક્રૂની છેડતી કરી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો
- શખ્સે ડ્રગ્સ લીધું હોવાથી ફલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવી શખ્સને પોલીસને સોંપ્યો
અમેરિકાની એરલાઈન્સની એક ફલાઈટમાં હોબાળો થયો. ન્યૂ જર્સીના એક શખ્સે ખરાબ વ્યવહાર કરતા ફલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડયું હતું. એરિક નિકોલસ ગેપકો નામના આ શખ્સે એક મહિલા ક્રૂ મેમ્બર સાથે શારીરિક સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં વિમાનનો દરવાજો પણ ખોલવાનો પ્રયાસ કર્યો જેથી પ્રવાસીના જીવ તાળવે ચોંટયા હતા.
મહિલા ક્રૂ મેમ્બર સાથે અણછાજતું વર્તન કર્યું
આ આખી ઘટના ગત 18 જુલાઈના રોજ બની હતી. જ્યારે સિએટલથી ડલાસ માટે ફલાઈટ નંબર-2101માં પ્રવાસ કરી રહેલા 26 વર્ષીય એરિક નિકોલસ ગેપકોએ એવો વ્યવહાર કર્યો કે જેનાથી ફલાઈટમાં સવાર તમામ પ્રવાસીઓ ડરી ગયા હતા. આ શખ્સે એક મહિલા ક્રૂ મેમ્બર સાથે શારીરિક સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
શખ્સ શર્ટ ઉતારીને વિમાનનો ગેટ ખોલવા લાગ્યો
મળતી માહિતી અનુસાર, આ શખ્સ એટલેથી જ નહોતો રોકાયો પરંતુ ઉંચે આકાશમાં ઉડતા વિમાનમાં દરવાજો ખોલવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો, જેથી વિમાનને ઈમરજન્સી મોડમાં ઉતરાણ કરવાની નોબત આવી હતી.
અમેરિકી એટોર્ની કાર્યાલયે જણાવ્યું કે એરિક નિકોલસ નામના આ શખ્સે ત્યારબાદ આકાળમાં ઉડતી વખતે પોતાના શરીર પરથી શર્ટ ઉતારી દીધો હતો અને ક્રૂ મેમ્બરને અપશબ્દો બોલવા લાગ્યો અને શારીરિક સંબંધ બાંધવા કહેવા લાગ્યો હતો. ત્યારબાદ તે વેપ પેનથી કશ લેવા લાગ્યો અને તેને ફલાઈટ અટેંડેટ સાથે મારામારી પણ કરી હતી.
આ શખ્સે ડ્રગ્સ લીધું હતું
રિપોર્ટમાં જણાવ્યું કે, ફલાઈટમાં જતા પહેલા આ શખ્સે ડ્રગ્સ લીધું હતું. જેના લીધે તે પોતે ભાનમાં ન હોવાનું સામે આવ્યું. ફલાઈટના ફોટા અને વીડિયોમાં તે ખુલ્લા શરીરે અને ચીસો પાડતો દેખાઈ રહ્યો હતો. ફલાઈટમાં વધુ હોબાળા પછી વિમાનને સોલ્ટ લૅક સિટી તરફ વાળવામાં આવ્યું હતું અને તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડયું હતું. પોલીસે છેલ્લે સોલ્ટ લૅક સિટી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ વ્યકિતને ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો.


