અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મોટો ટેરિફ બોમ્બ ફેંક્યો છે. ઓવલ ઓફિસમાં એક કાર્યક્રમ દરમિયાન, તેમણે જાહેરાત કરી કે હવે અમેરિકામાં આયાત થતી તમામ વિદેશી કારો પર 25% ટેરિફ લાદવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિએ પણ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કરી દીધું છે કે આ કોઈ કામચલાઉ નિર્ણય નથી પરંતુ કાયમી નિર્ણય છે. અમેરિકાના આ નિર્ણયથી ઓટોમોબાઈલ ક્ષેત્રની ઘણી મોટી ભારતીય કંપનીઓને પણ અસર થઈ શકે છે. આમાં ટાટા મોટર્સથી લઈને મહિન્દ્રા અને આઇશર મોટર્સનો સમાવેશ થાય છે.
ટ્રમ્પ વસૂલશે ટેરિફ
ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવુ છે કે તમારી કાર અમેરિકામાં બનાવો છો તો કોઇ ટેરિફ નહી લાગે. પરંતુ આ નિર્ણય વૈશ્વિક સપ્લાય ચેઇન પર આધાર રાખતા ઓટોમેકર્સ માટે નાણાકીય પડકારો ઉભા કરી શકે છે. ટ્રમ્પનો આ નવી આયાત ડ્યુટી લાદવાનો નિર્ણય 2 એપ્રિલથી અમલમાં આવશે અને તેની વસૂલાત 3 એપ્રિલથી શરૂ થશે.
ટ્રમ્પની યોજના શું છે?
ટ્રમ્પ માને છે કે આ ટેરિફ અમેરિકામાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડશે. જેમાં ઓટો પાર્ટ્સ અને ફિનિશ્ડ વાહનોનું ઉત્પાદન યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકોમાં થાય છે. જોકે ઓટોમેકર્સ જેઓ તેમના ઘટકો માટે વૈશ્વિક સપ્લાય ચેઇન પર આધાર રાખે છે તેમને ઊંચા ખર્ચ અને ઓછા વેચાણનો સામનો કરવો પડી શકે છે. નિષ્ણાંતો કહે છે કે આ ટેરિફના કારણે વાહનોના ભાવમાં વધારો થઈ શકે છે જેની સૌથી વધુ અસર મધ્યમ અને કામદાર વર્ગના ગ્રાહકો પર પડશે.
આ ભારતીય કંપનીના શેર્સ ડાઉન
નિષ્ણાતોના મતે આ પગલાને કારણે અમેરિકન ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે ટ્રમ્પના આ નિર્ણયની અસર ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્ર સાથે સંબંધિત કંપનીઓના શેર પર પણ જોવા મળી. અપેક્ષા મુજબ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુએસમાં આયાત થતી કાર પર લાદવામાં આવેલા 25 ટકા ટેરિફની સૌથી મોટી અસર ગુરુવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન ભારતીય ઓટોમોબાઈલ જાયન્ટ ટાટા મોટર્સના શેર પર જોવા મળી હતી અને તે ખુલતાની સાથે જ ટાટા મોટર્સના શેર ક્રેશ થઈ ગયા હતા.
ટાટાનો આ શેર 6.50 ટકા ઘટીને રૂ. 661.10 પર આવી ગયો હતો. આ ઉપરાંત, ઓટો સેક્ટરના મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર પણ ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યો અને 2728.30 રૂપિયા પર ટ્રેડ થતો જોવા મળ્યો. આ ઉપરાંત, આઇશર મોટર્સનો સ્ટોક પણ રેડ ઝોનમાં ખુલ્યો અને ખુલતાની સાથે જ તે 1.50% થી વધુ ઘટીને 5300 રૂપિયા પર આવી ગયો.
ટાટાનો અમેરિકામાં મોટો વ્યવસાય
ટાટા મોટર્સ એક વૈશ્વિક ઓટોમોબાઈલ કંપની છે અને અમેરિકામાં તેનો મોટો વ્યવસાય છે. તે જગુઆર લેન્ડ રોવર (JLR)ના માધ્યમથી ત્યાં હાજર છે. ટાટા મોટર્સે 2008 માં ફોર્ડ પાસેથી જગુઆર લેન્ડ રોવર (JLR) હસ્તગત કરી હતી, જે હવે ટાટા મોટર્સનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને યુએસમાં પણ તેનું સંચાલન છે. આ ઉપરાંત અહેવાલો અનુસાર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો યુએસએમાં વ્યવસાય છે. જ્યારે મોટરસાઇકલ રોયલ એનફિલ્ડની સાથે આઇશર મોટર્સના ભારે વાહનોની પણ ભારે માંગ છે.
અમેરિકામાં કાર ખરીદવી મોંઘી થશે
નિષ્ણાંતો માને છે કે ટ્રમ્પના ટેરિફ લાદવાના નિર્ણયથી ઓટોમેકર્સની સપ્લાય ચેઇન ખોરવાઈ શકે છે અને અમેરિકન ગ્રાહકોને ફુગાવાનો સામનો કરવો પડી શકે છે. આ કારણે આગામી દિવસોમાં કાર ખરીદવી મોંઘી થઈ શકે છે.


