અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના ટૈરિફના કારણે દુનિયાભરના બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ત્યારે આ મામલે અમેરિકન કોર્ટે તેમને સત્યથી વાકેફ કરાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને શક્તિશાળી વ્યક્તિ માને છે. એક નિર્ણાયક રાષ્ટ્રપતિ તરીકે દરેક સ્થળે પોતાને રજૂ કરતા રહે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમના ઘણા નિર્ણયો અમેરિકન ન્યાય વ્યવસ્થા સામે ટકી શકતા નથી. કોર્ટે ઉભા કરેલા પ્રશ્નોથી ટ્ર્મ્પ સરકારને મોટા પડકારનો સામનો કરવાનો સમય આવ્યો છે.
કોર્ટે નીતિઓમાં મુક્યો કાપ
ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકા પાછા ફર્યા પછી, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેઓ પહેલા કરતાં વધુ શક્તિ સાથે નિર્ણયો લેશે, પરંતુ તેનું વિપરીત થઇ રહ્યુ હોવાનું સામે આવ્યુ છે. રાષ્ટ્રપતિ પદની બીજીવાર સત્તા લીધા બાદ માત્ર 130 દિવસમાં 180 નિર્ણયો તેઓએ બદલ્યા છે. અમેરિકન કોર્ટે સતત ટ્રમ્પની નીતિઓને ગેરબંધારણીય જાહેર કરી રહી છે અને ઘણા મહત્વપૂર્ણ આદેશો પર પ્રતિબંધ મુક્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રને તાજેતરનો આંચકો ત્યારે લાગ્યો જ્યારે મેનહટનમાં ફેડરલ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે તેમના ટૈરિફ ઓર્ડરને ગેરબંધારણીય જાહેર કર્યો અને તેના પર કાયમી પ્રતિબંધ મૂક્યો હતો.
ટ્રમ્પ પોતે પણ લે છે યુ-ટર્ન
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતે ઘણી વખત પોતાના નિર્ણયો પણ બદલ્યા છે. જેમ કે, જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાનો નિર્ણય, ઇબોલા નિવારણ ભંડોળ રદ કર્યું, પરંતુ પછી તેને પુનઃસ્થાપિત કર્યુ હતુ. મેક્સિકો-કેનેડા વેપાર સોદો રદ કરવાની જાહેરાત કરી હતી. બાદમાં દબાણ હેઠળ તેને મુલતવી રાખ્યો હતો. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના વિઝા નિયમોમાં ફેરફાર કર્યા હતા. અને બાદમાં હાર્વર્ડ યુનિવર્સિટીએ કોર્ટમાં અરજી કરી અને 30 દિવસની રાહત મેળવી હતી.