અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. પોલીસે જણાવ્યું છે કે કેલિફોર્નિયાના સ્ટોકટનમાં થયેલી ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. એક બાળકના બર્થડે ની પાર્ટી દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. હાલ તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફાયરિંગમાં મૃત્યુ પામેલાઓમાં બે બાળકો પણ સામેલ છે.
સ્ટોકટનના ઉપ મેયરે માહિતી આપી
સેન જોક્વિન કાઉન્ટીના શેરિફે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે મૃત્યુ પામેલાઓમાં બે બાળકો અને બે વયસ્કનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે આ લોકોને નિશાન બનાવીને હત્યા કરવામાં આવી છે. ફાયરિંગની ઘટના બેન્ક્વેટ હોલની અંદર બની હતી. પોલીસે ફાયરિંગ પાછળનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે.
ઘટનાસ્થળ તરફ જતા દરેક રસ્તાઓ બંધ કરી દેુવાયા
પોલીસ મુજબ, ફાયરિંગની ઘટના સ્ટોકટનના લ્યુસિલ એવન્યૂના 1900મા બ્લોકમાં બની હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્ટોકટનના ઉપ મેયર જેસન લીએ જણાવ્યું કે એક બાળકના જન્મદિવસ દરમિયાન આ ઘટના બની. તેમણે ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે તેઓ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ. પોલીસે તકેદારી રૂપે ઘટનાસ્થળ તરફ જતા દરેક રસ્તાઓ બંધ કરી દીધા છે.


