- ગાઝાના રાફા શહેરમાં ઇઝરાયલ સતત કરી રહ્યું છે હુમલા
- યુરોપિયન યુનિયનની વિદેશ નીતિના પ્રમુખ જોસેપ બોરેલની માંગ
- નરસંહાર રોકવા માટે હથિયારોની સપ્લાય ઓછી કરવી જોઈએ
રાફા શહેર પર હુમલા બાદ દુનિયાભરમાંથી ઈઝરાયેલ પર દબાણ આવવાનું શરૂ થઈ ગયું છે. યુરોપિયન યુનિયનની વિદેશ નીતિના પ્રમુખ જોસેપ બોરેલની માંગ છે કે ઇઝરાયલના સહયોગી દેશો ખાસ કરીને અમેરિકા ઇઝરાયેલને શસ્ત્રોની સપ્લાય બંધ કરે. બોરેલે કહ્યું કે ગાઝામાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે. ગયા અઠવાડિયે જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું કે ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી ચરમસીમાએ પહોંચી ગઈ છે. બાઈડેનના નિવેદનને ટાંકીને બોરેલે કહ્યું કે જો તમને લાગે છે કે લોકો મરી રહ્યા છે તો તમારે ઓછા પ્રમાણમાં શસ્ત્રો આપવા જોઈએ જેથી અનેક લોકોને મરતા બચાવી શકાય.
શું મોટા દેશના નેતાએ લોકોના મોતની ચિંતા કરી?: બોરેલનો સવાલ
બ્રસેલ્સમાં મીડિયા સાથે વાત કરતા બોરેલે કહ્યું કે અમેરિકા માટે યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરવી અને ઈઝરાયેલને શસ્ત્રોની સપ્લાય ચાલુ રાખવી એ તાર્કિક નથી. બોરેલે કહ્યું કે ‘મોટા દેશોના નેતાઓ અને વિદેશ મંત્રીઓએ કેટલી વાર લોકોના મોત પર ચિંતા વ્યક્ત કરી છે. જો આંતરરાષ્ટ્રીય સમુદાયને લાગે છે કે નરસંહાર થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે તો કદાચ આપણે શસ્ત્રો અંગે વિચાર કરવાની જરૂર છે. ઈઝરાયેલે ગાઝાના રાફામાં હુમલા શરૂ કર્યા છે. ગાઝા પર હુમલા બાદ મોટી સંખ્યામાં લોકો રાફા પહોંચ્યા છે અને ત્યાં આશ્રય લીધો. હવે રાફામાં ઈઝરાયેલના હુમલા બાદ શરણાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. બોરેલે પૂછ્યું કે શું હવે ઈઝરાયેલના પીએમ પણ રાફાને ખાલી કરાવશે? હવે તેઓ લોકોને ક્યાં મોકલશે? ચંદ્ર પર?
ઈઝરાયેલે UNRWA પર લગાવ્યા હતા આરોપ
આ દરમિયાન યુનાઈટેડ નેશન્સના UNRWA ચીફ ફિલિપ લાઝારિની પણ હાજર હતા. ઈઝરાયેલે તાજેતરમાં જ આરોપ લગાવ્યો હતો કે UNRWA ના લોકો પણ ઈઝરાયેલ પર ગત 7 ઓક્ટોબરે થયેલા હુમલામાં સામેલ હતા. ઇઝરાયલે યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઇન રેફ્યુજીસ (UNRWA) પર પ્રતિબંધની માંગ કરી હતી. ઈઝરાયેલના આરોપો બાદ ઘણા દેશોએ UNRWAનું ફંડિંગ રોકવાની જાહેરાત કરી હતી.


