રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન અમેરિકા ફરી એકવાર યુક્રેનની મદદ માટે આગળ આવ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટી તંત્રે કહ્યું કે, અમેરિકા ફરી એકવાર આગામી સપ્તાહોમાં યુક્રેનને મોટું સહાય પેકેજ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને શનિવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડેન આ મહિને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરશે મુલાકાત
જેક સુલિવાને કહ્યું કે, આ સંઘર્ષમાં સફળ થવા માટે અમારે એક વ્યાપક રણનીતિની આવશ્યકતા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી કહ્યું કે, તે આ જ કરી રહ્યો છે. તેમણે કીવમાં યાલ્ટા યુરોપિયન રણનીતિ કોન્ફરન્સમાં વીડિયોલિંક દ્વારા આ ટિપ્પણી કરી હતી. સુલિવને વધુમાં જણાવ્યું હતું કે, “અમે આ મુદ્દા પર બેસીને વાત કરવા આતુર છીએ. રાષ્ટ્રપતિ બાઈડેન પણ આ અંગે ખૂબ જ ઉત્સાહિત છે.”
જાન્યુઆરીમાં જો બાઈડેનનો કાર્યકાળ થશે પૂરો
છેલ્લા કેટલાક અઠવાડિયામાં યુક્રેનની સૈન્યને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. કારણ કે રશિયા મુખ્ય પરિવહન કેન્દ્ર પોકરોવસ્ક તરફ આગળ વધી રહ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ બાઈડેન તેમના કાર્યકાળના બાકીના મહિનામાં યુક્રેનને સારી સ્થિતિમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે, જો બાઈડેન આ વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર છે. તેમનો કાર્યકાળ જાન્યુઆરીમાં પૂરો થઈ રહ્યો છે.
પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું કે, આ યુદ્ધનો અંત વાતચીત દ્વારા થવો જોઈએ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું હતું કે, જો પશ્ચિમી દેશ યુક્રેનને શસ્ત્રો આપીને રશિયા પર હુમલો કરવાની મંજૂરી આપે છે તો પશ્ચિમી દેશ પણ આ સંઘર્ષમાં સીધા સામેલ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આનાથી યુદ્ધનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ જશે. યુક્રેનના રાષ્ટ્રપતિ રશિયામાં લાંબા અંતરની મિસાઈલોથી હમલો કરવા માટે બાઈડેન પ્રશાસન અને પશ્ચિમી સરકારો પર દબાણ કરી રહ્યા છે. આ સાથે તેઓ આ યુદ્ધ ખતમ કરવા માટે મોસ્કો પર દબાણ પણ બનાવી રહ્યા છે.


