- અમેરિકામાં રોડ એક્સિડન્ટમાં ભારતીય વિદ્યાર્થિની જાહ્નવીનું થયું હતું મોત
- સિએટલ ખાતે આવેલ કોન્સ્યુલેટ જનરલે ફરી તપાસ કરવા કરી માંગ
- જાહ્નવીના પરિવારને ન્યાય મળે તે માટે શક્ય મદદ કરીશું: કોન્સ્યુલેટ જનરલ
ભારત સરકારે અમેરિકામાં એક રોડ એક્સિડન્ટમાં જીવ ગુમાવનાર ભારતીય વિદ્યાર્થિની જાહ્નવી કંડુલાની મોત મામલે ફરી તપાસ કરવાની માંગ કરી છે. સિએટલ ખાતે આવેલ કોન્સ્યુલેટ જનરલે અમેરિકન વહીવટી તંત્ર સમક્ષ આ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે કિંગ કાઉન્ટી પ્રોસીક્યુટરે પોતાની તપાસ રિપોર્ટમાં જાહ્નવીને ટક્કર મારનાર પોલીસ અધિકારીને પુરાવાના અભાવમાં નિર્દોષ જાહેર કર્યો હતો.
ભારતીય કોન્સ્યુલેટ જનરલે કહી આ વાત
સિએટલમાં કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘જાહ્નવી કંડુલાના દુર્ભાગ્યપૂર્ણ નિધન અંગે કિંગ કાઉન્ટી પ્રોસિક્યુટિંગ એટર્નીની તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવી છે. કોન્સ્યુલેટ જનરલ જાહ્નવીના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને જાહ્નવી અને તેના પરિવારને ન્યાય મેળવવામાં તમામ શક્ય મદદ કરવાનું ચાલુ રાખશે. અમે સિએટલ પ્રશાસન અને સિએટલ પોલીસ સમક્ષ પણ આ બાબતને ભારપૂર્વક ઉઠાવી છે અને આ મામલાની પુનઃ તપાસની માંગ કરી છે. કેસ હવે સિએટલ સિટી એટર્ની ઓફિસને પણ મોકલવામાં આવ્યો છે, જ્યાં તેની સમીક્ષા કરવામાં આવશે. અમે સિએટલ પોલીસ તપાસ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છીએ અને આગળ પણ આ મામલે નજર રાખવામાં આવશે.
પોલીસ કારની ટક્કરે થયું હતું જાહ્નવીનું મોત
મહત્વનું છે કે, 23 જાન્યુઆરીએ ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાનું સિએટલમાં એક રોડ એક્સિડન્ટમાં મોત થયું હતું. રોડ ક્રોસ કરતી વખતે જાહ્નવીને પોલીસની કારે ટક્કર મારી હતી. અકસ્માત સમયે સિએટલ પોલીસ અધિકારી કેવિન ડેવ પોલીસ કાર ચલાવી રહ્યો હતો. તાજેતરમાં, સિએટલના કિંગ કાઉન્ટી પ્રોસિક્યુશન વિભાગે પોતાની તપાસના અહેવાલમાં કેવિન ડેવને ક્લીનચીટ આપી હતી. વિભાગે કહ્યું હતું કે કેવિન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી, જેના આધારે તેની વિરુદ્ધ ફોજદારી કેસ શરૂ કરવામાં આવે.
તપાસમાં જાણવા મળ્યું હતું કે સિએટલ પોલીસને ડ્રગના ઓવરડોઝનો ઈમરજન્સી કોલ આવ્યો હતો. આ ઇમરજન્સી માહિતીના આધારે પોલીસ અધિકારી કેવિન ડેવ ઘટનાસ્થળે જઈ રહ્યો હતો. તે દરમિયાન કેવિનની કારની સ્પીડ લગભગ 119 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ જ કારણ હતું કે અકસ્માત સમયે પોલીસ અધિકારીને વાહનને કંટ્રોલ કરવાનો સમય ન મળ્યો.


