- કેલિફોર્નિયામાં આવેલા જોશુઆ ટ્રી નેશનલ પાર્કમાંથી પ્રેમીયુગલનું રૅસ્કયૂ કરવામાં આવ્યું
- પાણી ખૂટી જતા પ્રેમી-પ્રેમિકા ફસાઈ જતા 911 પર ફોન કરી મદદ માગી
- પ્રેમી યુવકે પોતાની ગર્લફ્રેન્ડને તડકા અને લૂથી બચાવવા પોતે જ ઢાલ બની ગયો
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા જોશુઆ ટ્રી નેશનલ પાર્કમાંથી એક પ્રેમી યુગલને બચાવી લેવામાં આવ્યું છે. આ દંપતી પાર્કની દક્ષિણે આવેલા રણ વિસ્તારમાં હાઈકિંગ માટે ગયા હતાં. પરંતુ પાણી ખૂટી જતાં તે ત્યાં જ ફસાઈ ગયા હતા. આ સમય દરમિયાન, પ્રેમીએ તેની પ્રેમિકાને તડકા અને પવનથી બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. તેણે તેના શરીરનો ઉપયોગ તેની ગર્લફ્રેન્ડ માટે ઢાલ તરીકે કર્યો હતો. રૅસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને લેન્ડિંગ ઝોનમાં લાવી સફળતાપૂર્વક હેલિકોપ્ટર પર ચઢાવી દીધા. બાદમાં મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
વ્યક્તિએ ફોન કરીને મદદ માંગી હતી
આ મામલે રિવરસાઈડ કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. એવું જાણવા મળે છે કે એક વ્યક્તિએ 911 પર ફોન કરીને મદદ માંગી હતી. વ્યક્તિએ જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ ડિહાઈડ્રેટેડ અને નબળાઈ અનુભવી રહી હતી. 9મી જૂને અહીં તાપમાન ખૂબ જ વધી ગયું હતું. બંને પાર્કના પેઇન્ટેડ કેન્યોન નામના વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ રૅસ્ક્યૂ ટીમને હેલિકોપ્ટર દ્વારા રવાના કરવામાં આવી હતી.
પ્રેમિકાને બચાવવા પ્રેમી યુવક ઢાલ બન્યો
બચાવ ટીમે પ્રેમી યુગલને સૂકી નદીના કિનારે બેઠેલા જોયા. તેનો વીડિયો શેરિફ ઓફિસ દ્વારા ઓનલાઈન પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં પ્રેમી યુગલ પર હેલિકોપ્ટર ફરતું જોવા મળે છે. તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્રેમીએ યુવતીને તડકો અને ગરમ પવનથી બચાવવા માટે પોતે જ ઢાલ બની ગયો છે. જે બાદ બંનેને એક પછી એક હેલિકોપ્ટરમાં ઊંચકવામાં આવ્યા હતા. રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ઓફિસના એવિએશન યુનિટે આ વાતની પુષ્ટિ કરી છે. મહિલાને તાત્કાલિક એર એમ્બ્યુલન્સ એટલે કે એરોમેડિકલ હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
સધર્ન કેલિફોર્નિયાને અમેરિકાનું સૌથી ગરમ રાજ્ય માનવામાં આવે છે. 9 જૂને પેઇન્ટેડ કેન્યોન વિસ્તારમાં 37.8થી 40.6 સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. વિભાગે લોકોને મુસાફરી દરમિયાન પાણી સાથે રાખવાની સલાહ આપી છે. બને એટલું પાણી પીઓ. તમારા પ્રવાસ વિશે તમારા પરિવારના સભ્યોને જાણ કરો.


