- પેલેસ્ટાઇન સમર્થક અને ઇઝરાયલ વિરોધી છે રિદ્ધિ પટેલ
- રિદ્ધિ પટેલનો આ ધમકી આપતો વિડીયો ખાસ્સો થયો વાયરલ
- જાણો એવું તે શું કહ્યું હતું રિદ્ધિ પટેલે પોતાના ભાષણમાં?
USA News: અમેરિકામાં એક ભારતીય-અમેરિકન મહિલાને શહેરના મેયર અને કાઉન્સિલના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપતા ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાની ઓળખ રિદ્ધિ પટેલ તરીકે થઈ છે. વાત જાણે એમ છે કે, કેલિફોર્નિયા સ્ટેટના બેકર્સફિલ્ડમાં શહેર કાઉન્સિલની સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન રિદ્ધિ પટેલે શહેરના મેયર કરેન ગોહ અને કાઉન્સિલના અન્ય સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રિદ્ધિ પટેલનો આ ધમકી આપતો વિડીયો ખાસ્સો વાયરલ થયો છે.
રિદ્ધિ પટેલે ગાઝામાં યુદ્ધ વિરામને લઈને લાવવામાં આવેલ પ્રસ્તાવનું સમર્થન ન કરવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તે એ વાતથી નારાજ હતી કે શહેરની કાઉન્સિલે ઇઝરાયલ વિરુદ્ધ થતાં વિરોધ પ્રદર્શનોને કારણે સરકારી ઇમારતોની બહાર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી દીધી હતી. પોલીસે જણાવ્યું છે કે ધમકી આપવા મામલે રિદ્ધિ પટેલની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવી છે. તેના સામે કેસ દાખલ કરવા માટે તાજેતરમાં જ કોર્ટમાં હાજર કરવામાં આવી હતી. હવે રિદ્ધિ પટેલની આગામી સુનાવણી 16, 24 અને 25 એપ્રિલના રોજ થશે.
કોણ છે રિદ્ધિ પટેલ?
કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડમાં રહેતી રિદ્ધિ પટેલ પેલેસ્ટાઈનની સમર્થક છે. તે અવારનવાર શહેરમાં ઈઝરાયેલના વિરોધમાં પ્રદર્શન કરતી હતી. 28 વર્ષની રિદ્ધિ પર આરોપ છે કે તેણે કાઉન્સિલના સભ્યો અને મેયરને ધમકી આપીને ડરાવ્યા હતા. જ્યારે, પોલીસે જ્યારે રિદ્ધિને કોર્ટમાં રજૂ કરી અને તેના પર આરોપ લગાવ્યા ત્યારે તે રડતી જોવા મળી હતી. કાઉન્સિલમાં સુનાવણી દરમિયાન રિદ્ધિનું વિવાદાસ્પદ ભાષણ ટ્વિટર (X) અને TikTok પર પણ વાયરલ થયું છે.
ભારતીય-અમેરિકન રિદ્ધિની લિંક્ડઇન પ્રોફાઇલ જોતાં ખ્યાલ આવે છે કે તે ‘સેન્ટર ફોર રેસ, પોવર્ટી એન્ડ ધ એન્વાયર્નમેન્ટ’ નામની સંસ્થામાં ઇકોનોમિક ડેવલપમેન્ટ કોઓર્ડિનેટર છે. મીડિયા અહેવાલો અનુસાર, રિદ્ધિ સપ્ટેમ્બર 2020માં આ સંસ્થામાં જોડાઈ હતી. રિદ્ધિનો જન્મ બેકર્સફિલ્ડમાં થયો હતો અને તેણે શહેરની સ્ટોકડેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. રિદ્ધિએ 2017માં સેન્ટ લુઈસ યુનિવર્સિટીમાંથી ન્યુરોસાયન્સમાં સ્નાતક પણ કર્યું છે. રિદ્ધિ 2019 માં શહેર પરત ફરી હતી.
શું કહ્યું હતું રિદ્ધિ પટેલે પોતાના ભાષણમાં?
કાઉન્સિલની સુનાવણી દરમિયાન રિદ્ધિએ કહ્યું હતું કે, “તમે બધા ખૂબ જ ખરાબ લોકો છો અને જો જીસસ ક્રાઈસ્ટ અહીં હોત, તો તેણે તમને જાતે જ મારી નાખ્યા હોત. તમારામાંથી કોઈને પરવા નથી કે પેલેસ્ટાઈન અથવા એવા દેશમાં શું થઈ રહ્યું છે જ્યાં લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે. તમારામાંથી કોઈને એ વાતની પણ ચિંતા નથી કે અહીં લોકો પર કેવા અત્યાચાર થઈ રહ્યા છે.”
રિદ્ધિએ વધુમાં જણાવ્યું હતું કે, “કાઉન્સિલના લોકો મહાત્મા ગાંધીને લઈને પરેડ કરે છે અને ચૈત્ર નવરાત્રી નામનો હિંદુ તહેવાર પણ આ અઠવાડિયે શરૂ થઈ રહ્યો છે. હું તમને યાદ અપાવી દઉં કે જે રજાઓ આપણે ઉજવી રહ્યા છીએ, તેને ગ્લોબલ સાઉથમાં લોકો પોતાના પર અત્યાચારના વિરોધમાં હિંસક ક્રાંતિ તરીકે ઉજવે છે. મને આશા છે કે કોઈ આગળ આવશે અને ગિલોટિન (મસ્તક કાપવાનું મશીન) લાવે અને તમારા બધાના માથા વાંઢી તમને મોતને ઘાટ ઉતારે.”


