- નબળા જોબ રિપોર્ટથી ફેડરલ રિઝર્વ દ્વારા ટૂંકમાં નિર્ણય લેવાશે
- બેરોજગારીનો દર પાછલા મહિનાના 3.8%થી વધીને 3.9%
- વેતનના આંકડા પણ અપેક્ષા કરતાં ઓછા, ફુગાવા માટેનો પ્રોત્સાહક સંકેત
એપ્રિલના ધારણા કરતાં નરમ જોબ રિપોર્ટ બાદ ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનું શરૂ કરી શકે તેવી આશાને વેગ મળતાં શુક્રવારે ડાઉ જોન્સમાં 400 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 410 પોઇન્ટ (1.1%) વધ્યો. S&P500 એક ટકો વધ્યો જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 1.7% વધ્યો. શુક્રવારના નોનફાર્મ પેરોલ્સ રિપોર્ટ દર્શાવે છે કે એપ્રિલમાં 1.75 લાખ લોકોને નોકરીઓ મળી, જે ડાઉ જોન્સના અર્થશાસ્ત્રીઓના સર્વેક્ષણમાં અપેક્ષિત 2.40 લાખ નોકરીઓ કરતાં ઓછી છે. બ્યૂરો ઑફ્ લેબર સ્ટેટિસ્ટિક્સ અનુસાર બેરોજગારીનો દર પાછલા મહિનાના 3.8%થી વધીને 3.9% થયો છે. વેતનના આંકડા પણ અપેક્ષા કરતાં ઓછા આવ્યા, જે ફુગાવા માટેનો પ્રોત્સાહક સંકેત છે.
જોન હેન્કોક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના કો-ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ એમિલી રોલેન્ડે કહ્યું કે રોકાણકારોનો એવો ડર દૂર થયો છે કે અર્થતંત્ર વધુ ગરમ થઈ રહ્યું છે અથવા ફરી ગતિશીલ થઈ શકે છે અને તે રેટ કટની આશાને પુનર્જીવિત કરી રહ્યું છે. તેથી જ વ્યાજદર ઘટી રહ્યા છે, બોન્ડ્સ તેજીમાં છે અને ઇક્વિટી માર્કેટમાં તેજી આવી રહી છે. જોબ માર્કેટ માટે ખરાબ સમાચાર મતલબ ફેડ કદાચ આ વર્ષના અંતમાં વ્યાજદર ઘટાડવાનું શરૂ કરી શકે છે. એપ્રિલમાં નોકરીઓમાં અપેક્ષિત કરતાં નબળી વૃદ્ધિ અને મધ્યમ વેતન લાભને પગલે ટ્રેડર્સ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં ફરી ઘટાડો જોઈ રહ્યા છે. બુધવારે ફેડરલ રિઝર્વની બેઠક દરમિયાન અધ્યક્ષ જેરોમ પોવેલે જણાવ્યું હતું કે બેરોજગારીનો દર ઊંચો રહેશે તો મધ્યસ્થ બેંક કાર્યવાહી કરવા માટે તૈયાર છે. અમે લેબર માર્કેટમાં અણધારી નબળાઈનો જવાબ આપવા માટે પણ તૈયાર છીએ.
સર્વિસિસ સેક્ટરમાં એક વર્ષમાં પહેલીવાર પ્રવૃત્તિઓ ઘટી
ઇન્સ્ટિટયૂટ ફોર સપ્લાય મેનેજમેન્ટ (ISM)ના અહેવાલ મુજબ અમેરિકામાં ડિસેમ્બર, 2022 પછી પહેલીવાર સર્વિસિસ સેક્ટરની પ્રવૃત્તિઓમાં ઘટાડો જોવા મળ્યો છે. ISM સર્વિસિસ ઇન્ડેક્સ માર્ચથી
2 પોઇન્ટ નીચે અને ડાઉ જોન્સના બાવનના અંદાજ કરતાં નીચે ઘટીને 49.4 ઉપર આવી ગયો.
એમગેન, એપલના શેરમાં સર્વાધિક ઉછાળો, ક્લાઉડફેરનો શેર તૂટયો
એમગેનના શેરમાં 12%નો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે એપલનો શેર સાત ટકાથી વધુ ઊછળ્યો હતો. 110 અબજ ડોલરના શેર બાયબેક કરવાની એપલની જાહેરાતના પગલે કંપનીના શેરમાં ઉછાળો જોવાયો હતો. બીજી તરફ ક્લાઉડફેરના શેરમાં 11%નો કડાકો જોવા મળ્યો હતો.
એમગેનનો 15 વર્ષમાં શ્રેષ્ઠ દેખાવ
અમેરિકાની મલ્ટિનેશનલ બાયોફાર્માસ્યૂટિકલ કંપની એમગેનના શેરમાં શુક્રવારે 12%નો ઉછાળો જોવા મળ્યો હતો, જે છેલ્લા 15 વર્ષમાં તેનો શ્રેષ્ઠ દેખાવ છે. મજબૂત ત્રિમાસિક પરિણામો અને કંપનીએ બનાવેલી મેદસ્વિતાની દવાના પ્રોત્સાહક અપડેટના કારણે એમગેનનો શેર ઊછળ્યો હતો. આ અગાઉ 8 જુલાઈ, 2009ના રોજ કંપનીના શેરમાં 14%નો ઉછાળો જોવાયો હતો.


