- ભારત સરકાર પાસે જવાબદેહીની અપેક્ષા : અમેરિકી પ્રવક્તા
- રોના એક પૂર્વ અધિકારીની ભૂમિકા સંબંધે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ પછીની પ્રતિક્રિયા
- ભારતે મંગળવારે વોશિંગ્ટન પોસ્ટે કરેલા દાવાને દ્રઢતાથી ફગાવી દીધા
અમેરિકી વિદેશમંત્રાલયના પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું છે કે શીખ ભાગલાવાદી નેતા ગુરપતવંતસિંહ પન્નૂની હત્યાના ષડ્યંત્રના આક્ષેપોની તપાસ સંદર્ભમાં અમેરિકા ભારત સાથે નિયમિતપણે કામ કરી રહ્યું છે. વોશિંગ્ટન પોસ્ટે અજ્ઞાત સ્રોતને ટાંકીને પન્નૂની હત્યાના ષડ્યંત્રમાં ભારતની ગુપ્તચર એજન્સી રોના એક પૂર્વ અધિકારીના નામનો ઉલ્લેખ કર્યા પછી અમેરિકી પ્રવક્તાએ ઉપરોકત ટિપ્પણી આપી છે.
જોકે ભારતે મંગળવારે વોશિંગ્ટન પોસ્ટે કરેલા દાવાને દ્રઢતાથી ફગાવી દીધા હતા. ભારતે કહ્યું હતું કે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં એક ગંભીર મુદ્દે અયોગ્ય અને નિરાધાર આરોપ લગાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે કહેવાતા ષડ્યંત્ર સંબંધે અમેરિકા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા ઇનપુટની તપાસ માટે નવી દિલ્હી દ્વારા ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તે મુદ્દે અટકળો કે બિનજવાબદાર ટિપ્પણીઓથી તપાસમાં મદદ નહીં મળી શકે. મંગળવારે પોતાની દૈનિક પત્રકાર પરિષદને સંબોધતાં વેદાંત પટેલે કહ્યું હતું કે,’અમે ભારતની તપાસ સમિતિના કામના પરિણામો આધારે ભારત સરકાર પાસેથી જવાબદેહિતાની અપેક્ષા રાખીએ છીએ. ભારત સાથે આ મુદ્દે નિયમિત પણે કામ કરીએ છીએ અને અપડેટ માટે પૃછા પણ કરીએ છીએ.’
સિનિયર લેવલે ચિંતા જાહેર થતી રહેશે : અમેરિકા
એક પ્રશ્નના ઉત્તરમાં વેદાંત પટેલે કહ્યું હતું કે,’અમે ભારત સરકાર સમક્ષ સિનિયર લેવલે આ મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખીશું. તેનાથી વધી જઈને હું આ મુદ્દે ચર્ચા નહીં કરું. મુદ્દો ન્યાય વિભાગ પર છોડી દઈશ.’વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં ભારતની ગુપ્તચર એજન્સી રોના પૂર્વ અધિકારીના રૂપમાં વિક્રમ યાદવના નામનો ઉલ્લેખ થયો છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે પન્નૂની હત્યાની ષડ્યંત્રમાં તેની ભૂમિકા હતી. વિક્રમ યાદવે એક ટીમને કામે રાખીને અમેરિકી ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નૂ પર હુમલાનું ષડ્યંત્ર રચ્યું હતું.


