- રશિયાના રાષ્ટ્રપતિ છે ચીનના પ્રવાસે
- અમેરિકાએ ચીનને આપી સલાહ
- યુરોપ અને રશિયામાંથી કોઇ એક પસંદ કરવા કહ્યું
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલ ચીનના પ્રવાસે છે. ત્યારે ચીનને લઇને અમેરિકાનું એક નિવેદન સામે આવ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને મહત્વની વાત કરી છે.
શું કહ્યું અમેરિકાએ ?
અમેરિકાએ ગુરુવારે કહ્યું કે ચીન યુરોપ અને રશિયા સાથે એક જ સમયે સારા સંબંધો ન રાખી શકે. અમેરિકાએ કહ્યું કે એ શક્ય નથી કે ચીન યુરોપ સાથે મજબૂત સંબંધો જાળવી રાખે અને સાથે જ યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાને સમર્થન આપવાનું ચાલુ રાખે તેમ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી હતી.
ચીનને અમેરિકાની સલાહ
તેઓએ વધુમાં જણાવ્યું કે ‘પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના યુરોપ અને અન્ય દેશો સાથે મજબૂત સંબંધો ઈચ્છે છે. સાથે જ તે રશિયાને પણ મદદ કરી રહ્યું છે જે યુરોપની સુરક્ષા માટે ખતરો છે. ખાસ વાત એ છે કે આ વાત માત્ર અમેરિકાની જ નથી પરંતુ G7 દેશો, નાટો અને યુરોપિયન દેશો પણ આ જ માને છે. વેદાંતે વધુમાં જણાવ્યું કે રશિયાની મદદ કરીને ચીન યુક્રેનની સુરક્ષા માટે માત્ર ખતરો નથી વધારી રહ્યું પરંતુ તે યુરોપની સુરક્ષાને પણ જોખમમાં મૂકી રહ્યું છે. જ્યાં સુધી આ ચાલુ રહેશે ત્યાં સુધી બેઇજિંગ યુરોપ સાથે સારા સંબંધો જાળવી શકશે નહીં.
પુતિન છે ચીનના પ્રવાસે
અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનપાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પુતિન પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર ચીન પહોંચ્યા હતા, જ્યાં પુતિન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકા પર નિશાન સાધ્યું અને તેના પર પરમાણુ સંતુલન બગાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. બંને નેતાઓ રશિયા અને ચીન વચ્ચે સંરક્ષણ ભાગીદારી વધારવા માટે પણ સંમત થયા હતા. જિનપિંગે કહ્યું કે અમે યુક્રેન યુદ્ધનો રાજકીય સમજૂતી દ્વારા ઉકેલ લાવવાના પક્ષમાં છીએ. વિશ્વમાં સર્વોપરિતા માટે ચાલી રહેલી લડાઈ વચ્ચે રશિયા અને ચીન વચ્ચેની મિત્રતા સ્થિરતા લાવવાનું કામ કરે છે.


