- કીમોથેરાપીમાં વાળ અને ત્વચાને નુકસાન બાદ ડોક્ટરે કર્યો ખુલાસો
- મહિલાને કેન્સર થયું જ નહોતું છતાં ડોક્ટરે શરૂ કરી દીધી કીમોથેરાપી
- લેબ ટેસ્ટનો રિપોર્ટ ડોકટરોએ જોયો પણ નહીં અને કીમોથેરાપી કરી
અમેરિકાના ટેક્સાસમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત એવું બની કે એક મહિલાની પેથોલોજી રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મહિલા કેન્સરથી પીડિત છે. આ રિપોર્ટના આધારે મહિલાની કીમોથેરાપી શરૂ કરી દેવામાં આવી, પરંતુ મહિલાને હવે જાણવા મળ્યું છે કે તેને ક્યારેય કેન્સર હતું જ નહિ. હવે, મહિલા ચિંતિત છે કે તેની સાથે આ શું થઈ ગયું. આ મામલે ડોકટરોની ઘોર બેદરકારી સામે આવી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા વર્ષ 2022માં પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચી હતી. મહિલાને આશંકા હતી કે તેને કિડનીમાં પથરીની સમસ્યા હોવાને કારણે દુખાવો થઈ રહ્યો છે. ટેસ્ટ રિપોર્ટમાં કિડનીમાં પથરી હોવાનું પણ બહાર આવ્યું હતું, પરંતુ, તપાસમાં મહિલાની બરોળ મોટી હોવાનું જણાયું હતું. ત્યારબાદ, ગત વર્ષે જાન્યુઆરીમાં મહિલાની બરોળનું ઓપરેશન કરીને વધારાના ભાગો કાઢી નાખવામાં આવ્યો હતો. સર્જરીમાંથી દૂર કરાયેલ બરોળનો વધારાનો ભાગ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. જ્યારે ત્રણ પેથોલોજી લેબના રિપોર્ટમાં યોગ્ય નિદાન ન મળતા ચોથી વખત લેબ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં મહિલાને કેન્સર હોવાની પુષ્ટિ થઈ હતી.
ડોકટરો પાર કરી બેદરકારીની તમામ હદો
ત્યારબાદ, હોસ્પિટલમાં મહિલાની કીમોથેરાપી શરૂ કરવામાં આવી. પહેલી કીમોથેરાપી બાદ મહિલાના બધા જ વાળ ઉતરી ગયા અને બીજી કીમોથેરાપીમાં મહિલાની ત્વચા સાવ ખરાબ થઈ ગઈ. એપ્રિલમાં જ્યારે મહિલા એક રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચી તો તેને જણાવવામાં આવ્યું કે તેને કેન્સર હતું જ નહિ અને તે એકદમ સ્વસ્થ છે. આ વાત સાંભળીને મહિલા ચોંકી ગઈ. મહિલાનું કહેવું છે કે હોસ્પિટલ દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી છે. મહિલાએ જણાવ્યું કે લેબ ટેસ્ટની બીજી રિપોર્ટ તેની બીજી કીમોથેરાપી શરૂ થઈ તે પહેલા જ હોસ્પિટલ આવી ગઈ હતી. પરંતુ, હોસ્પિટલના ડોકટરોએ રિપોર્ટ જોયો જ નહિ અને તેની બીજી કીમોથેરાપી શરૂ કરી દીધી હતી.


