ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાના નાનૌતા વિસ્તારમાં મોહરમના જુલુસ દરમિયાન એક મોટી ભાગદોડ મચી ગઈ છે. શનિવારે રાત્રે બિરયાની અને શરબત પીધા બાદ લગભગ 100થી વધુ લોકોની તબિયત અચાનક બગડી છે. તેમાંથી એક વ્યક્તિનું મોત પણ થયું છે. જ્યારે અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તમામ લોકોને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
શનિવારે રાત્રે નાનૌતા કસ્બામાં લોકો મોહરમના તહેવાર પર બિરયાની અને શરબતનું વિતરણ કરી રહ્યા હતા, તેને આરોગ્યાના થોડા સમય બાદ ઘણા લોકોને ઉલ્ટી અને પેટમાં દુખાવાની સમસ્યા થવા લાગી અને તાત્કાલિક તમામ લોકોને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ખાવા-પીવાની વસ્તુઓના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે કેટલાક લોકોને પ્રાથમિક સારવાર કર્યા બાદ ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે.
ઘટના બાદ તંત્ર એલર્ટ મોડ પર
જિલ્લાધિકારીએ કહ્યું કે મોટાભાગના દર્દીઓ ખતરાની બહાર છે અને સ્થિતિ પુરી રીતે નિયંત્રણમાં છે. ઘટના બાદ તંત્ર એલર્ટ મોડ પર છે. પોલીસ પણ ઘટના સ્થળે હાજર છે અને વિસ્તારમાં શાંતિનો માહોલ છે. તંત્રએ લોકોને અફવાઓ પર ધ્યાન ના આપવા અને શાંતિ રાખવા માટે અપીલ કરી છે. સાથે જ કહ્યું કે આ ઘટનાના દોષિત લોકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.