- ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા અભિયાન
- દેશની 4 એજન્સીઓને સોંપાવામાં આવી જવાબદારી
- ONGC, SJVNL, THDC અને નવયુગ કરી રહ્યું છે કામગીરી
ઉત્તરકાશીના સિલ ક્યારામાં નિર્માણાધીન ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશનનો આજે 8મો દિવસ છે અને પહાડની ટોચ પરથી ‘વર્ટિકલ હોલ’ બનાવવા માટે ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે. નવી માહિતી મુજબ, વડા પ્રધાન કાર્યાલય (PMO) એ હવે જુદી જુદી એજન્સીઓ દ્વારા આ ચાર મોરચે એકસાથે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવાનો નિર્ણય લીધો છે.
- પ્રથમ મોરચાની જવાબદારી SJVNL (સતલજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ) લેશે. તેઓ ટનલની ઉપર 120 મીટરની 1 મીટરની ઊભી ટનલનું ખોદકામ કરશે.
- બીજા મોરચાની જવાબદારી નવયુગ એન્જિનિયરિંગ સંભાળશે. તે ફરીથી લગભગ 60 મીટરની ટનલ ખોદશે.
- ત્રીજો મોરચો THDC સંભાળશે. તે પણ વિપરીત દિશામાં લગભગ 400 મીટરની ટનલ ખોદશે.
- ચોથા મોરચાની જવાબદારી ONGC સંભાળશે. તે સંભવતઃ નીચેથી આડી ટનલ ખોદશે.
જણાવી દઈએ કે NHIDCL (નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ), ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન), SJVNL (સતલજ હાઈડ્રોપાવર કોર્પોરેશન લિમિટેડ), DHDC અને RVNL ને આપવામાં આવેલી જવાબદારી સિવાય, BRO અને ઇન્ડિયન આર્મીની બાંધકામ શાખા પણ બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે.
આ મામલે હવે પીએમઓ અને રાજ્ય સરકાર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. આજે ઉત્તરાખંડ સીએમ અને ભાજપના નેતા નીતિન ગડકરી ઘટના સ્થળની સમીક્ષા કરવા પહોંચ્યા હતા.
શ્રમિકોને બહાર કાઢવાની સર્વોચ્ચ પ્રાથમિકતા
ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનાના 8મા દિવસે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી બચાવ કાર્યની સમીક્ષા કરવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સુરંગ તૂટી પડવા પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે છેલ્લા 7-8 દિવસથી અમે પીડિતોને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ. તેમને બહાર કાઢવા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે… અમે અહીં કામ કરતા સંબંધિત અધિકારીઓ સાથે 2 કલાક લાંબી બેઠક યોજી છે…6 વૈકલ્પિક પગલાં પર કામ કરી રહ્યા છીએ અને ભારત સરકારની વિવિધ એજન્સીઓ અહીં કામ કરી રહી છે. PMO પણ આના પર ખાસ નજર રાખી રહ્યું છે… ટનલ એક્સપર્ટ અને BRO ઓફિસરોને પણ બોલાવવામાં આવ્યા છે..અમારી પ્રાથમિકતા ફસાયેલા પીડિતોને ખોરાક, દવા અને ઓક્સિજન આપવાની છે.
જો મશીન યોગ્ય રીતે કામ કરશે તો..
તેઓએ વધુમાં જણાવ્યું કે આ ઓપરેશનની પ્રથમ પ્રાથમિકતા પીડિતોને જીવતા રાખવાની છે. બીઆરઓ દ્વારા ખાસ મશીનો લાવી રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. અહીં અનેક મશીનો આવી ગયા છે. બચાવ કામગીરી હાથ ધરવા માટે હાલમાં બે બોરિંગ મશીન કાર્યરત છે. આ હિમાલયના ભૂપ્રદેશની જટિલતાઓ છે. ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા શ્રમિકો ક્યારે બહાર આવશે તેને બચાવ કામગીરી પર મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ‘જો ઓગર મશીન યોગ્ય રીતે કામ કરશે તો અમે આગામી બેથી અઢી દિવસમાં ફસાયેલા મજૂરો સુધી પહોંચી શકીશું.
ટનલની બહાર તૈનાત 10 એમ્બ્યુલન્સ
રેસ્ક્યૂ ઓપરેશન વચ્ચે ટનલની બહાર 6 બેડ સાથેની હંગામી હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે. ટનલની બહાર 10 એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે જેથી કામદારોને ટનલમાંથી બહાર આવ્યા બાદ તાત્કાલિક તબીબી સારવાર મળી શકે. હકીકતમાં, ડોકટરોએ સલાહ આપી છે કે ટનલમાંથી બહાર આવ્યા પછી કામદારોને માનસિક-શારીરિક માર્ગદર્શનની જરૂર પડશે.
નિષ્ણાતોએ કહ્યું કેવી હશે શ્રમિકોની સ્થિતિ
તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે ટનલની અંદર ફસાયેલા શ્રમિકો લાંબા સમય સુધી બંધ જગ્યાએ ફસાયેલા હોવાને કારણે ગભરાટ અનુભવી શકે છે. આ સિવાય ઓક્સિજનની અછત અને કાર્બન ડાયોક્સાઈડનું વધુ પ્રમાણ પણ તેમના શરીર પર વિપરીત અસર કરી શકે છે. એવી પણ શક્યતા છે કે ઠંડા અને ભૂગર્ભ તાપમાનના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે તેમને હાઈપોથર્મિયા પણ થઈ શકે છે અને તેઓ બેભાન પણ થઈ શકે છે.