શહેરના રાવપુરા વિસ્તારમાં મકાનમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર રીઢો ચોર ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. આ આરોપી છેલ્લા 27 વર્ષથી વડોદરા સહિત અનેક શહેરોમાં ચોરીના 54 ગુનાઓમાં સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે.
ચોકસી બજારમાં શંકાસ્પદ હાલતમાં ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચની પેટ્રોલિંગ ટીમને માંડવીના ચોકસી બજાર વિસ્તારમાં એક આધેડ શખ્સ શંકાસ્પદ હાલતમાં ફરતો જોવા મળ્યો. પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેની પાસે થી સોનાની ચેન,બે બુટ્ટી,અને રૂપિયા 20,000 રોકડા મળ્યા હતા. દાગીનાના બિલ ન હોઈ પોલીસને શંકા વધી.
રીઢો ચોર હોવાનું જણાતા ચકચાર
પોલીસે પૂછપરછ હાથ ધરતાં આરોપીનું નામ અમિત ઉર્ફે શ્યામ નવીનચંદ્ર સાપરિયા (દરજી), રહે. ગોકુલેશ સોસાયટી, શંકરપુરા (તા. વડોદરા) હોવાનું જાણવા મળ્યું. વધુ પૂછપરછમાં ખુલ્યું કે આ વ્યક્તિ રીઢો ચોર છે અને લાંબા સમયથી ગુનાખોરીની દુનિયામાં સક્રિય છે.
54 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ આચર્યા
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપીએ છેલ્લા 27 વર્ષમાં વડોદરા, અમદાવાદ, આણંદ અને સુરત સહિતના વિસ્તારોમાં કુલ 54 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ આચર્યા હોવાનું ઉઘાડું પડ્યું છે.
રાવપુરાનો ચોરી કેસ ઉકેલાયો
અમિત સાપરિયાએ રાવપુરાના ફ્લેટમાં થયેલી દાગીના અને રોકડની ચોરી કર્યાની કબૂલાત પણ કરી છે. પોલીસે તેની પાસેથી મેળવેલી વસ્તુઓ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આચરેલા ઘરફોડ, તસ્કરી અને ચોરીના ગુનાઓ માટે અગાઉ પણ ઝડપાયો હતો, પરંતુ ફરીથી ગુનાખોરીમાં સક્રિય થયો હતો.
આ પણ વાંચો— Vadodara : ગુનો આચર્યા બાદ વર્ષોથી ફરાર થઇ ગયેલા 40 આરોપીઓને અલગ-અલગ રાજ્યોમાંથી ઝડપી લેવાયા


