વડોદરા શહેરના તરસાલી વિસ્તારની દેસાઈ કોલોનીમાં બનેલી કરૂણ ઘટનામાં પરિણીત યુવાને પત્નીની માનસિક હેરાનગતિ અને દબાણને કારણે આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાના દોઢ મહિના બાદ મૃતકના પિતાની ફરિયાદના આધારે મકરપુરા પોલીસ સ્ટેશને પત્ની સામે પતિને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે.
લગ્નજીવનમાં સતત ઝઘડા, પિયર જતી રહેતી પત્ની
ફરિયાદ મુજબ, મૃતક સઈદ દાઉદ બેલીમના વર્ષ 2020માં મુસ્કાન સાથે લગ્ન થયા હતા અને દંપતીને ત્રણ વર્ષની એક દીકરી છે. પરંતુ લગ્ન બાદથી જ દંપતી વચ્ચે નાની-મોટી બાબતે સતત ઝઘડા થતાં હતા. પત્ની અવારનવાર પિયર જતી રહેતી અને પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપતી હતી. એક વખત મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને બાદમાં અંદરખાને સમાધાન પણ કરાયું હતું.
પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોની શંકા
ફરિયાદમાં વધુમાં જણાવાયું કે મુસ્કાનનો અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાની જાણ થતાં સઈદ ગંભીર માનસિક તાણમાં રહેવા લાગ્યો હતો. આ મુદ્દે સઈદ જ્યારે પત્નીને પૂછપરછ કરતો ત્યારે તે ફરીથી પતિને કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી.
આખરી વોટ્સએપ મેસેજ અને કરૂણ અંત
19 સપ્ટેમ્બર 2025ના રોજ સઈદે પોતાના પિતા દાઉદબેલીમને વોટ્સએપ પર મેસેજ કર્યો હતું કે પપ્પા, હું આ લોકોથી ખૂબ પરેશાન થઈ ગયો છું… મુસ્કાન અને એના મમ્મી-પપ્પા મને હેરાન કરે છે… હવે જીવવું નથી.
સઈદે ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી
પિતાએ તરત જ ફોન કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક ન થઈ શક્યો. થોડા સમય બાદ ભત્રીજાએ ફોન કરીને જાણ કરી કે સઈદે ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી છે. સઈદને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યારે સુધી તેનુ મોત નિપજ્યું હતું.
પોલીસ ફરિયાદ અને વધુ તપાસ
દાઉદભાઈ બેલીમે પુત્રના મોત બાદ દોઢ મહિના સુધી મળેલી માહિતી, મેસેજ અને પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં પત્ની મુસ્કાન સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા નો ગુનો નોંધાવ્યો છે. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો — Vadodara : ઑનલાઈન પાર્ટ-ટાઈમ જોબની લાલચ આપી સાયબર માફિયાઓએ યુવકને છેતરી 45 હજાર ખંખેર્યા


