- વરસતા વરસાદમાં વિદ્યાર્થીઓએ રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા
- એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના બંગલામાં ઘૂસીને વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન
- હોસ્ટેલમાં રહેવા અને જમવાની ફીમાં વધારા સામે વિદ્યાર્થીઓને ઉગ્ર દેખાવ
વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેવા અને જમવાની વાર્ષિક ફીમાં વધારો કરવાના સત્તાધીશોના નિર્ણય સામે વિદ્યાર્થીઓ દ્વારા આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
વરસતા વરસાદમાં વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલરના બંગ્લે ઉગ્ર વિરોધ કર્યો
હોસ્ટેલમાં એડમિશન માટે વિદ્યાર્થીઓને ફરજિયાત પણે રૂપિયા 24 હજાર ચૂકવવા પડશે અને હોસ્ટેલ મેસમાં ભોજન કરો કે ના કરો પણ ફૂડ બિલ પણ ચૂકવવુ પડશે. ત્યારે વિદ્યાર્થીઓએ જૂના નિયમ મુજબ હોસ્ટેલમાં એડમિશન આપવાની માગ કરી છે અને તમામ વિદ્યાર્થીઓએ શુક્રવાર સાંજે વાઈસ ચાન્સેલરના નિવાસસ્થાનમાં ઘૂસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વરસતા વરસાદમાં વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલરના બંગલામાં રામ ધુન અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.
પોલીસનો કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે
આ ઘટનાને પગલે એસીપી સહિત પોલીસનો કાફલો વીસી બંગલે દોડી ગયો હતો. આ ઉપરાંત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, પી.આર.ઓ અને ચીફ વોર્ડન અધિકારી પણ તાબડતોડ વાઈસ ચાન્સેલરના બંગલે પહોંચી ગયા હતા અને યુનિવર્સિટીના સત્તાધીશોએ સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચાર યથાવત રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ વડોદરા બહારના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને પોતાનો અભ્યાસ કરે છે. ત્યારે આ હોસ્ટેલમાં રહેવા અને જમવાની ફી વધારાથી ઘણા વિદ્યાર્થીઓનું બજેટ પણ વિખરાઈ જાય તેવી સ્થિતિ છે.


