વડોદરાના શિનોર વિસ્તારમાં વૃદ્ધનું અપહરણ કરી ધમકાવીને લાખો રૂપિયા પડાવવાના ચકચારી કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી સંતુ ઉર્ફે કેતન ત્રિવેદી હોવાનું અને તે એક નિવૃત્ત PIનો પુત્ર હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. પોલીસે આ આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે અને કોર્ટે તેના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસની માસ્ટર માઇન્ડ પિંકી પટેલ નામની યુવતી છે.
એક યુવતી સહિત 5 લોકો સામે ફરિયાદ
ફરિયાદી વૃદ્ધ તેના એક્ટિવા પર પિંકી સાથે માલસર ખાતે ફરવા આવ્યા હતા. જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે શિનોર રેલવે ગરનાળા પાસે પિંકીના સાગરીતોએ વૃદ્ધને આંતર્યા હતા. ટોળકીએ નકલી પોલીસ તરીકે ઓળખ આપી વૃદ્ધનું અપહરણ કર્યું હતું અને પિંકી સાથેના સંબંધો જાહેર કરી દેવાની ધમકી આપી રૂ. 9 લાખની માંગણી કરી હતી. ડરના માર્યા વૃદ્ધે તબક્કાવાર 7 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. વૃદ્ધે હિંમત દાખવીને શિનોર પોલીસ મથકે એક યુવતી સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
માસ્ટર માઇન્ડ પિંકી પટેલ પોલીસની પકડથી દૂર
આ કેસમાં અગાઉ હાર્દિક શેઠ નામના યુવકની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે હવે કેતન ત્રિવેદી ઝડપાતા કુલ બે આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. જોકે, મુખ્ય સૂત્રધાર પિંકી પટેલ અને અન્ય બે સાગરીતો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ હવે રિમાન્ડ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરશે કે આ ગેંગે અન્ય કેટલા લોકો સાથે આવી છેતરપિંડી આચરી છે.


