- વડોદરા શહેરમાં સતત એક કલાકથી ધોધમાર વરસાદ
- એકધારાવરસાદને પગલે વાતાવરણમાં ઠંડક
- વરસાદને પગલે કોર્પોરેશનની કામગીરીની ખુલી પોલ
આગામી 7 દિવસ માટે વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે.. જે અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. આગાહીને પગલે વડોદરામાં સતત 1 કલાકથી ધોધમાર વરસાદ ખાબક્તા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
મળતી માહિતી મુજબ, વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી હતી. આગાહીને પગલે વડોદરા શહેરમાં સતત 1 કલાકથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. એકધારા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધોધમાર વરસાદ ખાબક્તા કોર્પોરેશનની કામગીરીની પોલ ખુુલી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા લાગ્યા છે. માંડવી દરવાજા, ગુરુદ્વારા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે. સ્થાનિકોએ તંત્રની કામગીરીને લઇ રોષ વ્યક્ત કર્યો હતો.
વરસાદને લઇ આગાહી
અંબાલાલ પટેલ આગાહી કરતાં જણાવ્યુ છે કે, ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. જેમાં ખાસ કરીને ભાવનગર, બોટાદ, અમરેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આગામી 15મી અને 16મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 17 થી 24 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આગાહી પ્રમાણે, ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ દરમિયાન રાજ્યમાં 30થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.


