નર્મદા કિનારે આવેલા શિનોર તાલુકા મથકની સામે કિનારે આવેલા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદરા ગામના ભાઠામાં આશરે 1 કિલોમીટરના ભાઠામાંથી રેતી ખનન થતું હોઈ, શિનોર સહીત તાલુકાના નર્મદા કિનારે આવેલા અતિ પૌરાણિક મંદિરો સામે ગંભીર ખતરો ઊભો થયો હોવાની ચર્ચા શ્રદ્ધાળુઓમાં થતી જોવા મળી રહી છે, તેમજ આ રેતી ખનન અટકાવવા માંગ ઉઠી છે.
વડોદરા જિલ્લાના છેક છેવાડે નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલ શિનોર તાલુકામાં ભંડારેશ્વર મહાદેવ, રોહિણીશ્વર મહાદેવ તથા કૃષ્ણેશ્વર મહાદેવ, સૌભાગ્ય સુંદરી માતાનુ મંદિર જેવા ઐતિહાસિક અને પૌરાણિક ધાર્મિક સ્થળો આવેલા છે. આ તમામ સ્થળો નર્મદા નદીના ભેખડો પર સ્થિત છે અને સામેના કિનારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું શિસોદરા ગામ આવેલું છે. નર્મદા નદીના આશરે એક કિલોમીટર લાંબા પટમાં રેતી લીઝ ધારકો દ્વારા આડેધડ અને બેફામ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. આ રીતે રેતી કાઢવાથી નદીની કુદરતી ભૂસંરચનામાં ગંભીર ફોરફાર થવાની સંભાવના વધી છે, જેના કારણે શિનોર તાલુકાના આ તરફ્ના નદી કિનારા પર આવેલા ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળોને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રેતી ખનનના કારણે નદીના પટમાં ઊંડા ખાડા પડી રહ્યા છે, જેનાથી નર્મદા નદીના કુદરતી પ્રવાહમાં અવરોધ અને ફોરફાર થવાની શક્યતા છે. ચોમાસાના સમયમાં ભારે વરસાદ સમયે તેની ગંભીર અસર થવાની પ્રબળ સંભાવના છે, જેના કારણે થનાર નુકસાનનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની શકે તેમ છે. આ સમગ્ર પ્રક્રિયા પર્યાવરણ માટે મોટું જોખમ સર્જી રહી છે.
શિનોરના ગામોના લોકોને સુનાવણીમાં બોલાવાયાં ન હતાં
સિસોદરાના નર્મદા નદીના પટમાં રેતી લીઝ ફાળવણી સમયે યોજાયેલી પર્યાવરણીય સુનાવણીમાં શિનોર તાલુકાના નર્મદા કિનારે આવેલા ગામોના રહેવાસીઓ, ધાર્મિક સ્થળોના હિતધારકો તથા પર્યાવરણપ્રેમીઓને બોલાવવામાં આવ્યા ન હતા, જેથી રેતી ખનનથી થનારી શક્ય હાનિ અંગે તેમના અભિપ્રાય અને વાંધાઓ લેવામાં આવ્યા નથી.
નર્મદાની કુદરતી રચના અને વારસાને બચાવવા માગ
આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં તીવ્ર રોષ વ્યાપ્યો છે, અને નર્મદા નદીના પટમાંથી તાત્કાલિક રેતી ખનન પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. નર્મદા નદી, તેની કુદરતી રચના અને ઐતિહાસિક-ધાર્મિક વારસાને બચાવવા તાત્કાલિક કાર્યવાહી જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.


