શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે પરંતુ કોર્પોરેશનનુ દબાણ શાખા છે કે તે દબાણો બાબતે જાણે ગંભીરતા જ લેતુ નથી. આજે દબાણ શાખાએ આખા શહેરમાંથી માત્ર ચાર ટ્રક ભરીને સામાન જમા લીધો હતો. તેમાં પણ દબાણો હટાવીને દબાણ શાખા નીકળી ગઈ અને એ પછી ફરી પાછા ત્યાં દબાણો થઈ ગયા હતાં. દબાણો હટાવવાની ઝુંબેશ માત્ર કાગળ પર દબાણ મુક્ત વડોદરા બનાવી રહી છે.
શહેરના મંગળબજાર, નવાબજાર જ નહીં પરંતુ આખા ચાર દરવાજા વિસ્તારોમાં દબાણોની ભરમાર છે. રાવપુરા ટાવર રોડ, દાંડિયા બજાર, મદનઝાંપા રોડ, રાજમહેલ રોડ, માંજલપુર તુલસીધામથી દરબાર ચોકડી, કીર્તિ સ્થંભ, કોઠી વિસ્તાર, વીઆઈપી રોડ, આરસી દત્ત રોડ, મુક્તાનંદ રોડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દબાણોને લઈને ટ્રાફિકની સમસ્યા વધુને વધુ ઘેરાઈ રહી છે, પરંતુ દબાણ શાખાનુ તંત્ર માત્ર કાગળ પર જ ઝુંબેશને સાર્થક કરી રહ્યું છે.આજે દબાણ શાખા સુભાનપુરા, ગોરવા, જુના પાદરા રોડ અને તરસાલીમાં ત્રાટકી હતી, પરંતુ જે જોશ સાથે દબાણ શાખા નીકળી હતી તેની હવા નીકળી ગઈ હતી. શહેરમાં ઠેરઠેર દબાણોનો રાફડો ફાટી નીકળેલો છે ત્યારે દબાણ શાખાને આજે આખા દિવસમાં શહેરમાંથી માત્ર ચાર ટ્રક ભરાય એટલો જ સામાન જમા કર્યો હતો. જાણે શહેરમાં કોઈ દબાણ ન હોય તે રીતે કાગળ પર દબાણ મુક્ત વડોદરા બતાવવા ચુનિંદા દબાણો જ જમા લે છે અને બાકીના દબાણોને હટાવતા જ નથી.નવાઈ વાત એ છે કે, દબાણ શાખાએ લાલબાગ બ્રીજ નીચે, અલકાપુરી રોડ, માંજલપુર દશામા મંદિર પાસે, ચીકુવાડી રોડ, સુસેન સર્કલથી ડી માર્ટ રોડ પરથી દબાણો હટાવ્યા હતા અને દબાણ શાખા જતુ રહ્યું એ પછી ત્યાં ફરી દબાણો થઈ ગયા હતાં. જેને લઈને દબાણ શાખાની કામગીરી માત્ર દેખાડા ખાતર થઈ રહી હોય તેવુ ચિત્ર ઊભુ થયુ છે.
કોર્પોરેશન દબાણ શાખા અને સિક્યુરિટી શાખા તેમજ તેમની માટે પોલીસ બંદોબસ્ત ફાળવવા માટે લાખો રૂપિયા ખર્ચી રહી છે તેમ છતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યાનુ મૂળભૂત કારણ બની રહેલા લારી, ગલ્લા, પથારા, શેડના દબાણો સામે દબાણ શાખા હજૂ કોઈ ગંભીરતા લઈ રહી નથી. આખરે શું કારણ છે કે આવા દબાણો સામે આટલો સોફ્ટ કોર્નર રાખવામાં આવી રહ્યો છે ? તે પ્રશ્ન સામાન્ય જનમાનસમાં ઉઠે તે સ્વાભાવિક છે.


